મોરબી : ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત સૌ કોઈને કંઈક ને કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ વગેરે ખાઈ-પીને લોકો પેટને ઠંડક આપી રહ્યા છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ ઉપરાંત પણ જો તમને અસહ્ય ગરમીમાં કંઈક અલગ જ ખાવાની ઈચ્છા છે તો તમે ઘરે જ ખૂબ ઓછી સામગ્રીમાંથી અને સરળતાથી બનતું ગુલકંદ ખાઈ શકો છો.ગુલકંદ ગરમીમાં રાહત આપવાની સાથે પેટમાં પણ ઠંડક કરે છે. એટલું જ નહીં તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો પહોંચાડે છે. તો જાણો ઘરે જ કેવી રીતે બનાવાય છે ગુલકંદ. ગુલકંદ બનાવવા માટેની સામગ્રી: 200 ગ્રામ ગુલાબની પાંદડી 150 ગ્રામ ખડી સાકર બે ચમચી મધ ગુલકંદ બનાવવા માટેની રીત: ગુલકંદ બનાવવા માટે સૌ પ્રથમ ગુલાબની પાંદડીને ચોખ્ખા પાણીથી બે વાર ધોઇ લો. આ પાણીમાંથી કચરો બહાર કાઢી લો અને ગુલાબની પાંખડીઓને એક કાણાંવાળા છીબામાં લઇ લો. હવે આ પાંદડીઓને વાસણમાંથી 10 મિનિટ પછી કાઢો અને કોટનના પાતળા કપડા પર ફેલાવીને સુકવો. કોટનના કપડા પર સુકવવાથી પાંદડીઓમાંથી બધુ પાણી ચોસાઇ જશે અને પાણી બિલકુલ નહિં રહે. આ પ્રોસેસ થઇ જાય પછી ખડી સાકર લો અને એને મિક્સરમાં ભૂકો કરી લો. ત્યારબાદ એક વાસણ લો અને એમાં સુકાયેલી ગુલાબની પાંદડી મુકો. પછી આમાં પીસેલી સાકર નાખો અને હાથથી બરાબર મસળી લો. આમ, બરાબર સાકર અને ગુલાબની પાંદડી મિક્સ થઇ જાય એટલે એમાં મધ એડ કરો. આ મિશ્રણને હવે આઠથી દસ કલાક માટે એક વાસણમાં ઢાંકીને મુકી રાખો. હવે આ મિશ્રણને બેથી સાત દિવસ તડકામાં મુકી રાખો. પછી આ મિશ્રણ ઠંડુ થાય એટલે કાચની બરણીમાં ભરી લો. તો તૈયાર છે ગુલકંદ. ઘરે બનાવેલું ગુલકંદ ટેસ્ટમાં ખૂબ સારું લાગે છે. આ ગુલકંદ દિવસમાં બે વાર એક-એક ચમચી ખાવાથી અનેક ફાયદા થશે.