બન્ને ગામની એક કિલોમીટરની ત્રિજીયામાં ગેરકાયદે ખનન બંધ કરાવવા મુખ્યમંત્રીથી લઈ નિર્લિપ્ત રાય સુધી રજુઆત મોરબી : મોરબી તાલુકાના ધરમપુર અને ટીમ્બડી ગામની આજુબાજુમાં વર્ષોથી ગેરકાયદે ખાણો ચાલી રહી હોય જે હવે બન્ને ગામની માનવવસ્તી સુધી પહોંચી જતા સતત થઈ રહેલ બ્લાસ્ટિંગ તાકીદે બંધ કરાવી ધરતી ખોદાતા રોકવા માટે બન્ને ગામના લોકો દ્વારા મુખ્યમંત્રીથી લઈ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય સુધી લેખિત રજુઆત કરવામાં આવી છે. મોરબી તાલુકાના ટીમ્બડી ગામના કિરીટભાઈ લાલજીભાઈ વડસોલા અને ધરમપુર ગામના પ્રાણજીવનભાઈ લાલજીભાઈ માકાસણાની આગેવાનીમાં બન્ને ગામના લોકોએ સામુહિક રજુઆત કરતા જણાવ્યું છે કે, બન્ને ગામની સીમમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે પથ્થર સહિતના ખનીજ કાઢવા દિવસ રાત ગેરકાયદે ખાણો ધમધમી રહી છે. અહીં અગાઉ માણસો દ્વારા ટ્રેકટર વડે અંદાજે 300 ટન જેટલું ખનીજ કાઢવામાં આવતું અને હાલમાં આધુનિક હિટાચી,જેસીબી જેવા રાક્ષસી મશીન ઉપરાંત સતત બ્લાસ્ટિંગ કરી દૈનિક 3000 ટન જેટલું ખનીજ કાઢી સરકારી તિજોરીને નુકશાન કરવામાં આવી રહ્યું છે. વધુમાં રજુઆતમાં જણાવાયું છે કે, મોરબીના ખાણખનીજ વિભાગને ખિસ્સામાં રાખી ખનીજ માફિયાઓ દ્વારા દિવસ રાત ખનીજ ચોરી કરી હવે તો બન્ને ગામના રહેણાંક વિસ્તારથી માત્ર 700 મીટર નજીક સુધી ગેરકાયદેસર ખાણોને લંબાવી દેવામાં આવતા ગ્રામજનો ઉપર જોખમ ઉભું થયું છે. જેથી કરીને સરકારી બાબુઓ તાકીદે બન્ને ગામની એક કિલોમીટરની હદમાં બિનકાયદેસર ખાણો બંધ કરાવે તેવી માંગ ઉઠાવી છે. ઉલ્લેખનીય છે કે ગ્રામજનોને સ્થાનિક વહીવટી તંત્ર ઉપર ભરોસો તૂટ્યો હોય તેવી સ્થિતિમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને ખાણકામ મામલે કડક હાથે પગલાં ભરાયા તે માટે રાજ્યના મુખ્યમંત્રી અને સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને રજુઆત કરી આ ગોરખધંધા બંધ કરાવવા ગુહાર લગાવવામાં આવી છે.