ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવાની માંગ સાથે ચીફ ઓફિસરને રજુઆત મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર શનાળા બાયપાસ પાસે આવેલ લાઇન્સનગરના મેઈન રોડનું કામ અધૂરું છોડી દેવાતા ભારે રોષ વ્યાપી ગયો છે. આ રોડની એક સાઈડ ખોદી નાખ્યા બાદ કોઈ કામગીરી ન કરાતા આગામી ચોમાસામાં હાલત વધુ ખરાબ થઈ જવાની દહેશત વ્યાપી ગઈ છે. આથી ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવાની માંગ સાથે ચીફ ઓફિસરને રજુઆત કરાઈ છે. મોરબીના છેવાડાના વિસ્તાર શનાળા બાયપાસ પાસે આવેલ લાઇન્સનગર-ગોકુળનગરના મેઈન રોડને અગાઉ નવો બનાવવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આ મેઈન રોડની એક સાઈડ ખોદી પણ નાખવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ રોડની કોઈ કામગીરી હાથ ધરાઈ ન હતી. આથી ઘણા સમયથી આ રોડનું કામ બંધ છે. તેથી રોડ ખોદાઇ જવાથી હાલ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાંય હમણાં ચોમાસુ નજીક આવી રહ્યું હોવાથી વરસાદમાં આ રોડની ઘણી ખરાબ હાલત થઈ જશે. જેથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ જશે.આથી ચોમાસા પહેલા આ રોડનું કામ પૂરું કરવા અને આ વિસ્તારમાં ઘણી સ્ટ્રીટ લાઈટો બંધ હોય તે ચાલુ કરવાની માંગ સાથે સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખરીએ ચીફ ઓફિસરને રજુઆત કરી છે.