આમરણ ચોવીસીના ઝીઝુડા સહિતના ગામોમાં વાવઝોડા જેવા વૈશાખી વાયરાથી લોકો ત્રાહિમામ : ધૂળની આંધીથી ઘરમાં ધૂળના ઢગલા,લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ મોરબી : મોરબી જિલ્લાના આમરણ ચોવીસીના ઝીંઝુડા સહિતના દરિયાઈ પટ્ટીના ગામોમાં તેજ પવન ફૂંકતા ધૂળની ચાદર ઘરોમાં પથરાઈ ગઈ છે. સતત ધૂળ ઊડતી હોવાથી ઘરમાં ધૂળના થર જામ્યા છે. આથી ઘરમાં રહી જ શકાય તેવી કપરી સ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો હતો. જો કે આ રણ વિસ્તાર હોવાથી ઉનાળામાં ભારે પવન ફૂંકતા બધી ઘુળ ઘરોમાં ભરાઈ જવાની કાયમી મુસીબત છે. મોરબી જિલ્લાના આમરણ ચોવીસીના ઝીંઝુડામાં આવેલ સોલંકીનગરમાં રહેતા મનીષભાઈ શામજીભાઈ ધામેચાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સતત પવન ફૂંકાવવાથી ધૂળ ઉડવાની ભયંકર સમસ્યા છે. ઘણા સમયથી સતત ધૂળ ઉડીને ઘરોમાં ભરાઈ જાય છે. ઘરોમાં એટલી હદે ધૂળના ગંજ જામ્યા છે કે, ઘરમાં રહી શકાય એવી પરિસ્થિતિ જ નથી. ઘુળના ગંજ ઘરમાં જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યા છે.ઘરના દરવાજા કે બારણાં કામ માટે ઘડીક ખોલીએ તો પણ ઘરમાં ઘુળની ચાદર પથરાઈ જાય છે. આથી જમીને તરતજ ઘરના બારી બારણાં બંધ કરી દેવા પડે છે. ઘુળ ઊડતી હોવાથી નાના બાળકોની ગંભીર હાલત થઈ ગઈ છે. ઘુળ નાક વાટે મોં માં ઘુસી જતી હોવાથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના રહેણાંક વિસ્તારની સામે ખુલ્લો અને સૂકોભઠ રણ વિસ્તાર આવેલો છે. આથી રણ પ્રદેશમાં ઘુળ અને રેતી હોવાથી ભારે પવનને લીધે સતત ઉડાઉડ કરે છે. ચોમાસા આ રણ પ્રદેશમાં પાણી ભરાઈ રહેતું હોવાથી ઘુળ ઊડતી નથી. પણ ઉનાળામાં પાણી સુકાઈ જાય અને ઉપરથી તેજ પવન ફૂંકાતા ઘુળ ઉડીને ઘરોમાં ભરાઈ જવાની કાયમી સમસ્યા છે. આથી લોકો ઘરમાં રહી શકતા પણ નથી. લોકોને ઘુળ ઘરોમાં ભરાઈ જવાથી દિનચર્યા કરવામાં ભારે મુશ્કેલી પડે છે.