સામસામે મોટા વાહનો આવી જાય તો મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી દહેશત, નીંભર તંત્ર વહેલી તકે જાગે તેવી લોકોની માંગ ટંકારા : ટંકારાના બંગાવડીથી લતીપર વચ્ચેના મોટા પુલ ઉપર વાહન ચાલકોની સલામતી માટે રેલિંગ ન જ હોવાથી વાહન ચાલકો સીધા જ પુલ પરથી નીચે નદીમાં ખાબકે તેવી ભીતિ સર્જાઈ છે. તેમાંય મોટા વાહનો સામસામાં આવી જાય અને જરાય ગફલત થાય તો આવી જ બન્યું સમજો તેવી જોખમી હાલત છે. આથી અહીં મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલા નીંભર તંત્ર જાગે અને પુલ ઉપર રેલીગ મૂકે તેવી માંગ ઉઠી છે. ટંકારાના બંગાવડીથી લતીપર વચ્ચે આવેલા મોટા પુલ ઉપર પસાર થતા એક જાગૃત નાગરિકે તંત્રની ગંભીર બેદરકારીને વીડિયોના માધ્યમથી ઉજાગર કરી છે. જેમાં આ જાગૃત નાગરિકે સંબધિત તંત્ર ઉપર ઉપર બળાપો ઠાલવતા કહ્યું હતું કે, આ પુલ ઉપર ઘણા સમયથી વાહન ચાલકોની સલામતી માટે રેલિંગ જ નથી. રેલિંગ ન હોવાના કારણે વાહન ચાલકો ઉપર મોટી દુર્ઘટનાનો ભય તોળાઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પુલની આજુબાજુ રેલીગ ન હોવાનું છેલ્લા એકવર્ષથી ધ્યાને આવે છે. પણ નિભર તંત્રની ઉંઘ જ ઊડતી નથી. પુલની નીચે નદી છે અને ઊંડાઈ પણ ખૂબ જ છે. જો કોઈ વાહન ચાલક અહીંથી નીચે ખાબકે તો જીવિત જ ન રહે. તેમાંય મોટા વાહનો સામસામાં આવે ત્યારે માર્ગ નાનો હોવાથી નીકળવા માટે ખુબજ કાળજી પૂર્વક ધ્યાન રાખવું પડે છે. જો એમાં જરાય ડ્રાઇવિંગમાં થોડીક પણ ચૂક થાય તો પુલની નીચે પડી જવાની પૂરેપૂરી દહેશત રહે છે અને રાત્રીના સમયે નાના વાહનના પ્રકાશના અજવાળે પણ પુલ ઉપરથી પડી જવાનો ભય સતાવે છે. આવી ગંભીર હાલત હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.