દરબાર ગઢમાં નિવૃત એસઆરપીમેનના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું મોરબી : મોરબી તાલુકાના રવાપર નદી ગામે ઉનાળાને કારણે ફળિયામાં સુતેલા ઘરધણીને નીંદરમાં રાખી તસ્કરો રૂપિયા 2.73 લાખથી વધુની માલમતાની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ચોરીની આ ઘટના અંગે રવાપર નદી ગામે દરબારગઢમાં રહેતા નિવૃત એસઆરપીમેન ખુમાનસિંહ મોબતસિંહ ઝાલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે ગત તા.18ના રોજ તેઓ પરિવાર સાથે ફળિયામાં સુતા હતા ત્યારે અજાણ્યા તસ્કરોએ મકાનમા ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમમા રાખેલ ગોદરેજના કબાટમાથી સોના ચાંદીના દાગીના રૂ.1,12,204, રોકડા રૂ.1.50 લાખ તેમજ પાકીટમાંથી રોકડા રૂ.11,000 મળી કુલ રૂ.2,73,204ની ચોરી કરી ગયા હતા. ચોરીની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે નિવૃત એસઆરપીમેન ખુમાનસિંહની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઈપીસી કલમ 457 અને 380 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.