ખેડૂતોને કમ્પ્યુટર કે ઓનલાઇન કરાવવાના કામમાં વિલંબ થતો હોવાથી VCEની હડતાળનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ મોરબી : ભારતીય કિશાન સંઘ મોરબી દ્વારા ખેડૂતોને કમ્પ્યુટર કે ઓનલાઇન કામ કરાવવાના હોવાથી ગ્રામ પંચાયતના VCEની હડતાળનો તાત્કાલિક ઉકેલ લાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધી કલેકટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હાલ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE તેઓના મંડળના આદેશ અનુસાર તા. 11ને બુધવારથી હડતાલ ઉપર છે. તેઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે સંતોષકારક કામગીરી બજાવે છે, તેઓ દ્વારા વર્ષોથી ગ્રામ પંચાયત, ગ્રામ્ય અરજદારોના કામો તથા સરકારની યોજનાઓના કાર્યો તેમજ સરકાર દ્વારા સોંપવામાં આવેલા અન્ય યોજનાઓ, અન્ય કાર્યો પુરી નિષ્ઠાથી કરે છે. વર્તમાન સમયમાં ખેડુતોને ધિરાણ ફેરવવાનો, ખાતા બદલવાનો, વારસાઇ એન્ટ્રી કે અન્ય ફેરફારો કરવાનો સમય હોય, આ તકે VCE મંડળની હડતાળ ખેડૂતો માટે ખૂબ હાલાકી રૂપ હોય, તો આ બાબતે ત્વરિત નિરાકરણ આવે તેવી કિસાન સંઘની માંગણી છે. વધુમાં, એવુ પણ ધ્યાને આવેલ છે કે મોટા ભાગના તાલુકા ઇ-ધરા સેન્ટરો પર સર્વર સ્લો ડાઉનના કારણે ખેડુતોના 7-12ના ઉતારા મેળવવામા હાલાકી પડી રહી છે તથા સેન્ટરો પર મોટી લાઇનો જોવા મળે છે, તે પ્રશ્નનો સત્વરે નિકાલ થાય એવી વિનંતી કરાઇ છે.