બિલ્ડીંગ વાપરવા લાયક ન હોવાનો રિપોર્ટ છતાં જીવના જોખમે કામ કરતા સરકારી કર્મચારી : ગમે ત્યારે છતમાંથી પોપડા ખાબકતા હોય અરજદારો માથે પણ જોખમ મોરબી : મોરબી જિલ્લાના પછાત ગણાતા માળીયા તાલુકાની સરકારી કચેરીઓ એટલી હદે જર્જરિત બની ગઈ કે છે કે ગમે ત્યારે ઉપરથી મોત ટપકી પડે એમ છે. જો કે સરકારી કચેરીઓની બિલ્ડીંગ વાપરવા લાયક ન હોવાનો રિપોર્ટ છતાં સરકારી કર્મચારીઓને રીતસર જીવના જોખમે કામ કરવું પડે છે. તેમજ ગમે ત્યારે છતમાંથી પોપડા ખાબકતા હોય અરજદારો માથે પણ જોખમ ઉભું થયું છે અને સરકારી કર્મચારીઓને હેલ્મેટ પહેરીને નોકરી કરવી પડે તેવી કપરી સ્થિતિ ઉદભવી છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ માળીયા મિયાણા તાલુકા માત્ર મોરબી જિલ્લામાં જ નહીં પણ ગુજરાતનો સૌથી વધુ અવિકસિત તાલુકો ગણાય છે. માળીયા તાલુકામાં બસ સ્ટેન્ડ સહિતની ઘણી બધી સુવિધાઓનો અભાવ છે. આટલું ઓછું હોય તેમ માળીયાની મામલતદાર, ટીડીઓ કચેરી ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. આ કચેરીઓ વર્ષ 2017ના પુર વખતે મોટાપાયે ક્ષતિગ્રસ્ત થઈ હતી. આથી મામલતદાર કચેરી તો હાલ બંધ કરી દેવાઈ છે. આથી સ્ટાફ માટેનો જે કવાટર્સ છે ત્યાં આ મામલતદાર કચેરીને ચાલુ કરવામાં આવી છે. જ્યારે ટીડીઓ કચેરી તો એટલી બધી જર્જરિત બની ગઈ છે કે ત્યાં ગમે ત્યારે પોપડા ખરે છે. નીચે પણ ખાડા ખબડા પડી ગયા છે. આવા ખંઢેર જેવા મકાનમાં સતત મોતના ઓથાર હેઠળ સરકારી કર્મચારીઓને કામ કરવું પડે છે. આ ઉપરાંત રેકર્ડ રૂમના દસ્તાવેજો પણ પલડી જતા વેરવિખેર હાલતમાં છે. આ જર્જરિત કચેરીનો ઉપયોગ કરવો નહીં અને તુરત પાડી દેવી એવી સરકારી રિપોર્ટ આવી ગયો હોવા છતાં અન્યત્ર વ્યવસ્થા ન હોવાથી સરકારી કર્મચારીઓ બિન સલામત રીતે યાતના ભોગવી રહ્યા છે.