મોરબી: ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. ત્યારે મોરબીની એક વિદ્યાર્થિનીએ સરકારી શાળામાં અભ્યાસ કરીને વગર ટયૂશને 97.76 PR મેળવીને પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. મોરબીની ઘી વી.સી ટેકનીકલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી માલવત કૌશર રજાકભાઈએ વિજ્ઞાન પ્રવાહમાં 97.76 PR સાથે બોર્ડની પરીક્ષા પાસ કરી છે. કૌશર મોરબી જિલ્લાની દરેક સરકારી અને મોડેલ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર મેળવ્યો છે. માલવત કૌશરે માત્ર ને માત્ર સરકારી શાળામાં અભ્યાસ અને ઘરે મહેનત કરીને આ સફળતા હાંસલ કરી છે. દરરોજ 18 કલાક જેટલું વાંચન કરીને કૌશરે બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. આ સફળતા બાદ કૌશરની ઈચ્છા નીટની પરીક્ષા આપીને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની છે. આ સફળતા માટે કૌશરે શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે.