ગૌશાળામાં ગડદા ખાલી કરી ટ્રેકટર વાળવા જતા અકસ્માત સર્જાયો મોરબી : મોરબી તાલુકાના રાપર ગામે ગૌશાળામાં ગડદા ખાલી કરી ટ્રેકટર વાળવા જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેકટર નીચે દબાઈ જતા ટ્રેકટર ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રાપર ગામે રહેતા મૂળ કચ્છના રાપર તાલુકાના રહેવાસી યુવાન કુંભાભાઇ લખમણભાઇ અજાણા ઉ.24 અવેડો રીપેર કરવા ટ્રેક્ટરમાં ગડદા ભરીને અવેડા પાસે ઠાલવ્યા હતા. બાદમાં ટ્રેકટર વાળવા જતા અકસ્માતે ટ્રેકટર પલટી જતા ટ્રેકટર નીચે દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે ગૌશાળામાં સેવા કરતા ધનજીભાઇ મગનભાઇ વિડજાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.