ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરતા છ દિવસના રિમાન્ડ મંજૂર મોરબી : મોરબીના વજેપરમાં આવેલી કિંમતી જમીનના ખોટા માલિક ઉભા કરી બોગસ આધારકાર્ડ રજૂ કરી જમીન દલાલ ટોળકીએ મૂળ હરિપર કેરાળા ગામના વૃદ્ધ સાથે 16 કરોડમાં જમીનનો સોદો કરી બદલામાં રૂપિયા સાડા ત્રણ કરોડ હડપ કરી લીધાના કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીને ઝડપી લીધા હતા આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મોરબીના આલાપ રોડ ઉપર શિવાલીક એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ હરિપર કેરાળા ગામના ભગવાનજીભાઇ ખીમજીભાઇ દેત્રોજા, ઉ.65 નામના વૃદ્ધે જમીન મકાનના દલાલ અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા અને જમીનના માલિક તરીકે જમીન વેચવા કાંતાબેનનું ખોટુ નામ ધારણ કરનાર સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ તેમના પુત્ર પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વર્ષ 2021માં મોરબી નવા બસસ્ટેન્ડ સામે આશાપુરા ટાવરમા વકીલ સહદેવસિંહની ઓફીસમાં ફરિયાદીના ભાઈના કહેવાથી જમીન દલાલ અંબારામભાઈ પટેલ અને તેની ટોળકીના મળતિયાઓએ વજેપર ગામની સીમમાં આવેલ જમીનના મૂળ ખાતેદાર તરીકે રહેલ કાંતાબેન નામ ધારણ કરનાર સવિતાબેન તથા સાક્ષી તરીકે રહેલ પીન્ટુભાઇ તથા અલ્પેશભાઇ સહિતનાએ કાવતરું રચી જમીનના માલીક કાંતાબેનના તથા તેના બન્ને પુત્રના આરોપીઓના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી ઉપરોક્ત જમીનના સોદાખતમાં ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી તેમની સાથે છેતરપિંડી કરી હતી. દલાલ ટોળકીએ રૂપિયા 16 કરોડમાં વજેપરની જમીનનો સોદો કરી બદલામાં ફરિયાદીનો પ્લોટ લખાવી લઈ રોકડા રૂપિયા સાડા ત્રણ કરોડ પડાવી લીધા હતા.આ બનાવની ફરિયાદ પરથી અગાઉ બે આરોપીઓને પોલીસ પકડી લીધા બાદ આજે વધુ ત્રણ આરોપીઓ હરેશ નારણભાઈ જાકાસણીયા, અશોક દામજીભાઈ કાસુન્દ્રા, અંબારામ ડાયાભાઈ બાવરવાને ઝડપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓના તા.16 સુધી એટલે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.