ફાયનાન્સમાં નોકરી કરતા યુવાનને એક્સેસ, એક્ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સોએ પછાડી દઈ દોઢ લાખ લૂંટી લીધા મોરબી : ટંકારા તાલુકાના ધુનડા સજ્જનપરથી અદેપર ગામ જવાના કાચા રસ્તા ઉપર આજે ભર બપોરે ફાયનાન્સ કંપનીમાં કામ કરતા યુવાનને એક્સેસ, એક્ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સોએ પછાડી દઈ રૂપિયા દોઢ લાખની લૂંટ ચલાવી નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે. લૂંટની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજરોજ બપોરે એકાદ વાગ્યાના સુમારે ટંકારા તાલુકાના ધુનડા સજ્જનપરથી અદેપર ગામ જવાના કાચા રસ્તા ઉપર સંદીપ હીરાભાઈ ડાભી નામના ફાયનાન્સ કંપનીમાં કામ કરતા યુવાનને એક્સેસ કે એક્ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સોએ પછાડી દઈ સંદીપભાઈ પાસે રહેલા થેલાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ ઘટના અંગે લૂંટારુનો ભોગ બનેલા યુવાને ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરતા ટંકારા પોલીસે જિલ્લા કંટ્રોલને જાણ કરી નાકાબંધી કરાવી હતી. વધુમાં દોઢ લાખની ધોળા દિવસે લૂંટના આ બનાવમાં એક્સેસ કે એક્ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે કાળા કલરનો અને એક શખ્સે ખાખી કલરનો શર્ટ પહેર્યો હોવાનું તેમજ મોટર સાયકલ પાછળ લાલ અક્ષરે માલધારી લખેલ હોવાનું ભોગ બનનારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું.