મોરબીની જીવાદોરી મચ્છુ-2માં વિપુલ જળરાશીને કારણે મોરબી શહેરને ચોમાસા સુધી પાણીની ખેંચ નહીં પડે : જિલ્લાના દસ ડેમ પૈકી 3 ડેમોમાં પાણી ખલ્લાસ, પાંચ ડેમોમાં 25 ટકાથી 40 ટકા પાણી મોરબી : ગત વર્ષે ચોમાસુ મધ્યમ રહેવા છતાં જિલ્લાના દસ પૈકી આઠ જળાશયોમાં પૂરતી જળરાશી હોય જિલ્લામાં ચાલુ વર્ષે પીવાના પાણી કે, સિંચાઈ માટે ખેંચ નહીં અનુભવવી પડે. મોરબી જિલ્લામાં હાલમાં બ્રાહ્મણી-2 છલોછલ ભરેલ છે તો મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2માં 63 ટકા જળરાશી ઉપલબ્ધ હોય પીવાના પાણીની સમસ્યા નહીં નડે. મોરબી સિંચાઈ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં આવેલા દસ જળાશયો પૈકી 3 ડેમના તળિયા દેખાઈ ગયા છે અને અન્ય પાંચ જળાશયોમાં 25થી 40 ટકા જેટલો જળ જથ્થો ઉપલબ્ધ છે. ડેમ મુજબ સ્થિતિ જોઈએ તો મચ્છુ-1 ડેમમાં હાલમાં 25.71 ટકા. મચ્છુ-2 ડેમમાં 63.45 ટકા, મચ્છુ-3 ડેમ ખાલી કરાયો હોવાથી માત્ર 7.68 ટકા જ પાણી ઉપલબ્ધ છે. જયારે ડેમી-1માં 41.94 ટકા, ડેમી-2માં 40.48 ટકા અને ડેમી-3માં 11.14 ટકા જીવંત જળરાશી ઉપલબ્ધ છે. જયારે બંગાવળી ડેમમાં માત્ર 1.06 ટકા, બ્રાહ્મણી -1માં 8.70 ટકા, બ્રાહ્મણી -2 છલોછલ જેવી સ્થિતિમાં 88 ટકાથી વધુ અને ઘોડાધ્રોઇ ડેમમાં 36.64 ટકા જળરાશિ ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે.