ગત 6 તારીખે રાત્રે ટ્રેલર ચાલકે ટ્રેક્ટરને અડફેટે લેતા ટ્રેલરનો જોટો યુવાન ઉપર ફરી ગયો હળવદ : હળવદ હાઈવે ઉપર સર્કિટ હાઉસ નજીક બે દિવસ પહેલા રાત્રીના સમયે ટ્રેલર ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ગંભીર અકસ્માતમાં સર્જાયો હતો અને આ અકસ્માતમાં ઢવાણા ગામના ૨૨ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જોકે અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો જેથી મૃતક યુવાનના પિતાએ હળવદ પોલીસ મથકે ટ્રેલર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા છેલાભાઈ લક્ષ્મણભાઈ મુંધવા ઉંમર વર્ષ 22 ગત તારીખ 6ના રોજ રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ ટ્રેક્ટરમાં ઘાસચારો ભરી ટીકર તરફ જઈ રહ્યા હતા ત્યારે હળવદ હાઈવે ઉપર સર્કિટ હાઉસ નજીક માતેલા સાંઢની જેમ આવતા ટ્રેલર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેકટરમાં સવાર છેલાભાઈ લક્ષ્મણભાઈ મુંધવા ઉપર ટ્રેલરનો જોટો ફરી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. આ ગંભીર અકસ્માત સર્જી ટ્રેલરચાલક ટ્રેલર મૂકી નાસી છૂટયો હતો સાથે જ બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાસને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેવામાં આજે મૃતકના પિતા લક્ષમણભાઇ જીવણભાઈ મુંધવાએ હળવદ પોલીસ મથકે ટ્રેલર નંબર એમ.એચ-૪૬-ડીએફ-૬૬૯૫નાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.