હળવદ સરા ચોકડી વાહન ચેકીંગ દરમિયાન કાર અટકાવતા બે ગઠિયા દાદા તાડૂક્યા હળવદ : ગત મોડીરાત્રીના સમયે હળવદ પોલીસ ટીમ દ્વારા સરા ચોકડી નજીક વાહન ચેકીંગ દરમિયાન એક કારને અટકાવી ચેક કરવાનું કહેતા બે શખ્સોએ ધમાલ મચાવી પોલીસ જવાનનો કાંઠલો પકડી લેતા બનાવ મામલે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રી દરમિયાન હળવદ પોલીસ ટીમ સરા ચોકડીએ વાહન ચેકીંગમાં કાર્યરત હતી ત્યારે પોલીસ જવાન વિનોદભાઈ છગનભાઇ ચાવડાએ કાર લઈને પસાર થઈ રહેલા આરોપી જયદિપસિહ મહાવિરસિહ ઝાલા-રહે.હાલ આદિપુર મંગલેશ્વર સોસાયટી. તા-અંજાર, મુળ રહે.ઢવાણા, તા.હળવદ તેમજ આરોપી શક્તિસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા રહે. ઢવાણાની કાર અટકાવી કાર ચેક કરવા કહ્યું હતું. વધુમાં રાત્રીના ત્રણ વાગ્યા આસપાસ પોલીસ જવાન દ્વારા કાર અટકાવી ચેકીંગ કરવાનું કહેતા જ બન્ને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈનો કાંઠલો પકડી તમે અમારી ગાડી કેમ ચેક કરો છો ? કહી બોલાચાલી કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવને પગલે પોલીસ જવાન દ્વારા બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 186, 504, 114 મુજબ ગુન્હો નોંધી બન્ને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.