પોશ વિસ્તારમાં રહેતી સુખી સંપન્ન ઘરની નિર્દોષ સગીરાને ખોટા નામ ધારણ કરનાર ત્રણ શખ્સોએ બ્લેક મેઈલ કરી ન કરવાના કામ કરાવી ફોટા, વિડીયો ઉતારી નાણાં પડાવ્યા મોરબી : મોરબીના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તારમાં રહેતા સુખી સંપન્ન પરિવારની નિર્દોષ સગીરવયની દીકરીને ઇન્સ્ટાગ્રામ સોશિયલ સાઇટ ઉપર ખોટા નામ ધારણ કરનાર મવાલી, લુખ્ખાએ પ્રેમજાળમાં ફસાવ્યા બાદ કુમળી વયની બાળકી પાસે ન કરવાના કામ કરાવી ફોટા અને વિડીયો ઉતારી લઈ બ્લેકમેઇલ કરી દુષ્કર્મ ગુજારવાની સાથે નાણાં પણ પડાવવામાં આવતા આ ચોંકાવનારા બનાવમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મોરબીમાં સોશિયલ સાઇટ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર નિર્દોષ સગીરા, યુવતી અને મહિલાઓને ફસાવવા માટે મવાલી, લુખ્ખાઓ રીતસર મિશન ચલાવતા હોય અનેક યુવતીઓ અને મહિલાઓ આવા શિકારીઓનો શિકાર બને છે પરંતુ સમાજમાં બદનામીના ડરને કારણે કોઈ ફરિયાદ કરવા આગળ આવતું નથી. તાજેતરમાં સીએ ની પેઢીમાં નોકરી કરતી યુવતીને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બદનામ કરવાની ધમકી આપનાર ઇશ્ક મિજાજીનો કિસ્સો સામે આવ્યા બાદ મોરબીના પોશ ગણાતા એક વિસ્તારમાં રહેતી સગીરાને મોરબીના જ લુખ્ખા, મવાલીએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલ્યા બાદ પ્રેમ જાળમાં ફસાવી હતી. ઇન્સ્ટાગ્રામ આઇડીમાં ફ્રેન્ડ બન્યા બાદ આ લુખ્ખાએ પોતાની અસલિયત બતાવી સગીરા પાસેથી નાણાંની માંગણી કરી પોતાના અન્ય મિત્ર સાથે દોસ્તી કરવા દબાણ કરી ફેક આઈડી મારફતે બીજા લુખ્ખાને પણ સગીરા રૂપી શિકાર ભેટમાં આપી બિભીત્સ ફોટા વિડીયો અને આ લુખ્ખા આરોપી કહે તેવા દ્રશ્યો સાથેના ફોટા, વિડીયો આપવા દબાણ કરવાની સાથે ત્રીજા આરોપી સાથે પણ મિત્રતા કરાવી સગીરાનું શોષણ કર્યું હતું. મોરબી શહેરના અલગ - અલગ વિસ્તારમાં સગીરાને બોલાવી નરાધમોએ દેહ અભડાવવાની સાથે સગીરાના બિભીત્સ ફોટા વિડીયો મેળવી લઈ ભોળપણમાં રહેલી સગીરા પાસેથી નાણાં પણ પડાવી લેતા અંતે હતાશ બનેલી આ સગીરાના પરિવારજનોનેને આ બાબતની જાણ થતાં હિંમત પૂર્વક ત્રણેય લુખ્ખાઓ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આ ગંભીર અને સમાજ માટે ચેતવણી જનક કિસ્સામાં ત્રણેય લુખ્ખા, મવાલી વિરુદ્ધ આઈપીસી કલમ 376(2)જે, 376(3), 384, 406, પોકસો એકટ 2012ની કલમ 4,8,12 તેમજ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટની કલમ 67, 67(બી) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર તપાસ સિટી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડયા ચલાવી રહ્યા છે. વાચકો જોગ ખાસ નોંધ : આ સંવેદનશીલ ઘટનામાં અમુક આરોપી પણ સગીર હોવાથી અને આરોપીની ધરપકડ બાકી હોવાથી..પોલીસ તંત્રની અપીલના કારણે હાલ આરોપીઓના નામ જાહેર કરેલ નથી.. આરોપીની ધરપકડ બાદ સગીર આરોપી સિવાયના આરોપીના નામ જાહેર કરવામાં આવશે..આભાર