સિરામીક ટાઇલ્સના ટ્રેડર્સના જુના ભાગીદારના મળતીયાએ વઘાસિયા ટોલનાકે આંતક મચાવી બેરીગેટથી માર માર્યો : ગાડીમાં તોડફોડ કરી મોરબી : મોરબીમાં સિરામીક ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતા વેપારીના જુના ભાગીદારીના મળતીયાએ વઘાસિયા ટોલનાકા નજીક કાર આંતરી વેપારી ઉપર હુમલો કરી બેરીગેટથી માર મારતા શનાળાના શખ્સ તેમજ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર પંચાયત વાળી શેરીમાં રહેતા અને સિરામીક ટાઇલ્સ ટ્રેડીંગનો ધંધો કરતા કેતનભાઇ શાન્તીલાલ ફુલતરીયા ચોટીલા ખાતે ધંધાનું કામ પતાવી પરત ફરતા હતા ત્યારે રાત્રીના સમયે વઘાસિયા ટોલનાકા નજીક તેમની કારને આંતરી શનાળા ગામના નવઘણ ભરવાડ અને અન્ય બે અજાણ્યા શખ્સોએ કેતનભાઈને નીચે ઉતારી તું નીચા ભાવે ટાઇલ્સ વેચીને અમારા ગ્રાહક કેમ તોડે છે કહી છરીની મુઠ તેમજ ટોલનાકે પડેલા બેરીગેટ વડે બેફામ માર માર્યો હતો.ઉપરાંત આ ત્રણેય હુમલાખોરોએ છુટા પથ્થરના ઘા ઝીકી કેતનભાઈની ગાડીમાં તોડફોડ કરી નુકશાન પહોચાડ્યું હતું. વધુમાં નવઘણ ભરવાડે કરેલા હુમલાને કારણે કેતનભાઈને મૂંઢ ઇજાઓ અને પાસળીમાં ફ્રેક્ચર થઈ જતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના બિછાનેથી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કેતનભાઈએ જણાવ્યું હતું કે નવઘણ ભરવાડ તેમના જુના ભાગીદાર મનીષ માકાસણા રહે.એસપી રોડ મોરબી વાળા સાથે ભાગીદાર બન્યો હોય ધંધા ખારમાં આ હુમલો કર્યો હોવાનું જાહેર કર્યું હતું. હાલ કેતનભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સિટી પોલીસે શનાળા ગામના નવઘણ ભરવાડ અને તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬,(૨)૪૨૭,૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.