ત્રણ દિવસીય સિરામીક એક્સપોમાં મોરબીની 50 જેટલી નામાંકિત કંપનીઓએ પોતાની પ્રોડક્ટ પ્રદર્શિત કરી : એક્સપોને પગલે કેન્યામાં મોરબીનું માર્કેટ વધશે મોરબી : આફ્રિકન દેશોમાં મોરબીની સિરામીક પ્રોડકટની માંગમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને કેન્યામાં ટાઇલ્સ, સેનેટરીવેર્સ પ્રોડક્ટની નિકાસ વધુ થાય તે માટે તા.4, 5 અને 6 મે, ત્રણ દિવસીય સિરામીક આફ્રિકા એક્સપોનું નાઇરોબિ ખાતે આયોજન કરાયું છે જેમાં મોરબીના ઉત્પાદકોને ખૂબ જ સારો રિસોપન્સ મળી રહ્યો છે. વિશ્વના બીજા નંબરનું સૌથી મોટુ મોરબી સિરામીક ક્લસ્ટર વિશ્વભરમાં છવાયું છે ત્યારે તાજેતરમાં રશિયા, અમેરિકા બાદ તા.4, 5 અને 6 મે, દરમિયાન આફ્રિકાના કેન્યાની રાજધાની નાઇરોબિ ખાતે સિરામીક આફ્રિકા શિર્ષક હેઠળ ત્રણ દિવસનો એક્સપો યોજવામાં આવ્યો છે જેમાં મોરબીની 50થી વધુ નામાંકિત કંપનીઓએ ભાગ લઈ પોતાની અવનવી પ્રોડક્ટ રજૂ કરતા કેન્યાના વ્યાપારીઓનો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો છે. મોરબી સિરામીક ક્લસ્ટર દ્વારા સાઉથ આફ્રિકામાં પ્રવર્તમાન સમયમાં વર્ષે 325 કરોડથી વધુનો વ્યાપાર કરવામાં આવે છે. કેન્યાની વાત કરવામાં આવે તો કોરોના અને વૈશ્વિક મંદીના માહોલમાં પણ ગત નાણાકીય વર્ષમાં 80 કરોડ જેટલી ટાઇલ્સ અને સિરામીક પ્રોડક્ટની નિકાસ કરવામાં આવી હતી. આ સંજોગોમાં આ એક્સપોને પગલે આવનાર દિવસોમાં કેન્યામાં મોરબીનું એક્સપોર્ટ વધે તેવો આશાવાદ સિરામીક ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે, મોરબીના સિરામીક ઉદ્યોગનું એક્સપોર્ટ વધે તે માટે ભારત સરકારના કોમર્સ વિભાગ અને કેપેકસીલ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. કેન્યામાં આયોજિત સિરામીક આફ્રિકા એક્સપોમાં પણ ભારતીય દૂતાવાસ દ્વારા ઉદ્યોગકારોને સહયોગ આપવાની સાથે ભારતના એમ્બેસેડર દ્વારા એક્સપોમાં તમામ સ્ટોલની મુલાકાત લઈ મોરબીના ઉદ્યોગકારોનો ઉત્સાહ વધાર્યો હતો. મોરબી સિરામીક એસોસિએશન અને કેન્યા નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી રેડીકલ કોમ્યુનિકેશન આયોજિત આ ત્રિ દિવસીય સિરામીક આફ્રિકા એક્સપોમાં મોરબીની GRANICER CERAMICના રવિ જામરીયા, મીતુલ બરાસરા, પ્રીતિ શાહ, KERAVIT VITRIFIEDના નિલેશભાઈ જેતપરિયા, ITACA CERAMIC સતીષ સોરિયા, કિશોર વસાણી, SPOLO TILESના સુનીલ બરસરા, RENITE VITRIFIDના પારસ ભાઈ, FALAVOUR GRANITOના ધર્મેન્દ્રભાઈ સહિત મોરબીની 50થી વધુ નામાંકિત કંપનીઓ દ્વારા પોતાની અવનવી પ્રોડક્ટ ડિસપ્લે કરી આવનાર દિવસોમાં કેન્યામાં વ્યાપાર વધુ વિકસવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.