હળવદ તાલુકાના માથક ગામે વાડી વિસ્તારમાં બનેલી ઘટનામાં હિટાચી ચાલકનું સારવારમાં મૃત્યુ હળવદ : હળવદ તાલુકાના માથક ગામે વાડી વિસ્તારમાં હિટાચી મશીનને ટ્રકમાં ચડાવતી વખતે અકસ્માત સર્જાતા હિટાચી ડ્રાઇવરને યમરાજનો ભેટો થઈ જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ વિચિત્ર બનાવ અંગે હિટાચી મશીનના માલિક કરમણભાઇ ધારાભાઇ ખરગીયા, રહે. ૧૦૧ ભમરીયા, ઘાટલોડીયા, ભરવાડ વાસ, સોલા રોડ, અમદાવાદ મૂળ રહે,ગામ-સુંદરીભવાની તા.હળવદ વાળાઓએ હળવદ પોલીસ મથક ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.16 ફેબ્રુઆરીના રોજ હળવદના માથક ગામે ખુમાનસિંહ રાજપુતની વાડીએ તેમનું હીટાચી મશીન ટ્રકમાં ચડાવતી વેળાએ ડ્રાઇવર સુનિલકુમાર ઇન્દ્રદેવ સિંહ રાજપુત રહે. હઝારીબાગ, તિલૈયા ડેમ, ઝારખંડ વાળાએ બેદરકારી દાખવતા મશીન ટ્રક ઉપરથી પડી ગયું હતું અને આ અકસ્માતમાં ડ્રાઇવર સુનિલકુમારને ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે આઇપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી એકટ કલમ ૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.