ગત મોડી રાત્રિના બનેલા બનાવથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હળવદ : હળવદ તાલુકાના દેવીપુર ગામે ગત મોડીરાત્રીના બે રહેણાક મકાનમાં તસ્કરો હાથફેરો કરી જતાં ચકચાર મચી જવા પામી છે. જુદાજુદા બે મકાન માં થયેલ ચોરીના બનાવમાં સોના ચાંદીના દાગીના અને બાઈક ચોરાયુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી તસ્કરોનું પગેરૂ દબાવવા તપાસ લંબાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે ગત મોડીરાત્રીના મનોજભાઈ ઓધવજીભાઈ પીપળીયા પોતાના પરિવાર સાથે ઘરના ફળિયામાં સુતા હતા તે વેળાએ તસ્કરોએ મકાનની બારી તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને બાઈક ની ચોરી કરી હતી. સાથે જ ચોરટાઓ આટલેથી ન અટકી બાજુના મકાન માલિક રસિકભાઈ પરષોત્તમભાઈ સોનગરા કે જેવો ઘરે ન હોય તેઓના ઘરનું પણ તાળું તોડી અંદર પ્રવેશ કરી ત્યાંથી પણ સોનાની બુટ્ટી,ચાંદીના સાંકળા, કડલી સહિતની વસ્તુઓ ચોરી ગયા હોવાનું મકાન માલિકો જણાવી રહ્યા છે. સવારે જાગતાની સાથે જ ઘરમાં ચોરી થઈ હોવાનું ઘર માલિકને અને ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી આ બનાવની ફરિયાદ નોંધાઈ નથી જેથી ફરિયાદ નોંધાયા બાદ જ તસ્કરો બંધ મકાનમાંથી શું ?શું? લઈ ગયા છે તેની સાચી હકીકત સામે આવશે.