અગાઉ ભૂગર્ભ ગટર તૂટ્યા બાદ તંત્રએ કરેલા થુંકના સાંધાની પોલ ખુલ્લી, તંત્ર ગટરની કુંડીનું યોગ્ય રીતે રિપેરીગ કરે તેવી માંગ મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી ગટરનું કુંડીમાં આજે એક એસટી બસ બરોબરની ફસાઈ ગઈ હતી. જો કે અગાઉ અહીં ભૂગર્ભ ગટરની કુંડી તૂટ્યા બાદ તંત્રએ રિપેરીગના નામે થુંકના સાંધા કરતા તંત્રની આવી નિતીની આજે પોલ ખુલી ગઈ હતી. આથી તંત્ર અહીંયા ભૂગર્ભ ગટરની કુંડીનું યોગ્ય રિપેરીગ કરે તેવી માંગ ઉઠી છે. મોરબીના નવા બસ સ્ટેન્ડની અંદર જવા માટેના રસ્તા ઉપર સુપર માર્કેટ પાસે વચ્ચોવચ ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી તૂટી ગઈ હોવાથી આજે ત્યાંથી પસાર થતી એક એસટી બસના ટાયર ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં ફસાઈ ગયા હતા. તેથી મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી.જો કે મહામહેનતે કુંડીમાં ફસાયેલી આ બસને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. જ્યારે અગાઉ અહીંયા આ ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી હોય તૂટી ગઈ હતી અને ત્યારે પણ એસટી બસ સહિતના વાહનો આ કુંડીમાં ફસાયા હતા. આ અંગે ભારે ઉહાપોહ થતા તંત્ર જાગ્યું તો ખરું પણ કામમાં વેઠ ઉતારી હતી અને ભૂગર્ભ ગટરની કુંડીનું રિપેરીગ યોગ્ય રીતે ન કરતા ફરી હવે અગાઉ જેવી જ પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ કુંડીમાં વારંવાર વાહનો ફસાઈ જતા હોય જોખમી બની ગઈ હોવાથી તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.