વાંકાનેર : વાંકાનેર તાલુકાની લુણસર શાળામાં આજે અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય યોજાયો હતો. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ વસીયાણી ધ્રુવી અને સંતોકી ભક્તિએ શાળામાં મેળવેલ અનુભવ, શિક્ષણ, સંસ્કારોની સાથે શિક્ષકો પ્રત્યેના પ્રતિભાવ રજૂ કર્યા હતા. જ્યારે શિક્ષકોએ વિદ્યાર્થીઓને લાગણીસભર શબ્દોથી શુભાષિશ પાઠવ્યા હતા. ધોરણ-૮ના વિદ્યાર્થીઓને ગિફ્ટ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ શાળાને સરસ્વતી માતાની છબી અર્પણ કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વિદાય કાર્યક્રમ બાદ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓએ ગુજરાત તથા છતીસગઢ રાજ્યનો પરિચય વેશભૂષા, નૃત્ય, વક્તવ્ય થકી કરાવ્યો હતો. દેશી રમતો, વન મિનિટ, સંગીત ખુરશી વગેરે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શિખંડ પુરી જમાડવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્ય કમલેશભાઈ ગોસરાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.