નમાજ પઢવા ગયેલા પૌત્રો સાથે માથાકૂટ બાદ ધોકા, પાઇપ સાથે હુમલો કર્યો : પાડોશીના મકાનમાં પણ નુકશાન કર્યું મોરબી : મોરબી શહેરના કાલીકાપ્લોટમાં નમાજ પઢવા ગયેલા પૌત્રો સાથે માથાકૂટ કર્યા બાદ નવ શખ્સોએ નર્મદાહોલ પાસે રહેતા મહિલા તેમજ અડોશ પાડોશમાં રહેતા લોકોના ઘર ઉપર પથ્થરમારો કરી ધોકા, પાઇપ સહિતના હથિયારો સાથે હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં મુનીરાબેન ગુલામભાઇ ધોળા, રહે. મોરબી કાલીકાપ્લોટ, સાયન્ટીફીક રોડ નર્મદાહોલ પાસે નામના મહિલાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પૌત્ર ફૈજ તથા નઇમ મસ્જિદે નમાજ પઢવા ગયા બાદ માથાભારે શખ્સોએ માથાકૂટ કરી હતી. બાદમાં દાઉદ મામદ પલેજા, ઇમરાન મામદ પલેજા, અલી મામદ પલેજા, ફરદિન દાઉદભાઇ પલેજા, અરમાન દાઉદભાઇ પલેજા, રેહાન ઇમરાનભાઇ પલેજા, વશીમ યુનુસભાઇ પલેજા, હરભજન ઉર્ફે ગેંડો ધવલસિંહ ખીંચી સરદારજી અને રહિમ ઉર્ફે ટકો વલીમામદભાઇ ચાનીયા, રહે બધા કાલીકાપ્લોટ મોરબી વાળાઓ તેમના ઘર પાસે ધસી આવ્યા હતા અને લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા સોડા બોટલ- પથ્થરો જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ભુંડાબોલી ગાળો આપી તેમના મકાનના દરવાજા પર પાઇપ તથા લાકડાના ધોકા મારી પાડોશમાં રહેતા રશીદાબેન તેમજ હનીફાબેનના ઘર ઉપર સોડા બોટલ તથા પથ્થરોના છુટ્ટા ઘા કરી મકાનની ઘરવખરીમા નુકશાન કર્યું હતું. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે મુનીરાબેનની ફરિયાદને આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૩૩૬, ૪૨૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.