મોરબીના આહીર પરિવારે પુત્રના લગ્નપ્રસંગે સ્નેહીજનો માટે તૈયાર કરાવી ખાસ કલાત્મક કંકોતરી હાઇફાઈ જમાનામાં વરવધુના ફોટા વાળી કંકોતરીને બદલે હેન્ડી ક્રાફ્ટને ઉત્તેજન આપવા તૈયાર કરાવી ખાસ કંકોતરી મોરબી : કંકુ છાંટી કંકોતરી મોકલી... લગ્નગીતના આ શબ્દો આજના સમયમાં માત્ર ગીત પૂરતા સિમિત રહ્યા છે ત્યારે આજના હાઈટેક જમાનામાં લગ્નપ્રસંગોમાં વરવધુના ફોટા વાળી કંકોતરીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ મોરબીના આહીર પરિવારે પુત્રના લગ્નપ્રસંગે જરા હટકે લગ્નની કંકોત્રી તૈયાર કરાવી છે. જી હા...એ પણ કાગળની નહિ, પણ કાપડની અને એમાં પણ ભરતગૂંથણ.. મનમોહક કંકોતરી તૈયાર કરાવી છે. મોરબીના આહીર અગ્રણી અને ભાજપ અગ્રણી જેઠાભાઇ રમુભાઈ મિયાત્રાના પરિવારના ચિ. કશ્યપના લગ્ન ચિ. ભારતી સાથે નિર્ધારવામાં આવ્યા છે. આ લગ્ન પ્રસંગની અનોખી કંકોતરી હેન્ડી ક્રાફ્ટ થકી રોજગાર મેળવતા કારીગરોને ધ્યાને લઇ બનાવવામાં આવી છે. મિયાત્રા પરિવારે હાલમાં લુપ્ત થતા ભરત ગુંથણની કલાને ઉત્તેજન આપવા માટે ખાસ ભરત ગુંથણવાળી સરસ મજાની કંકોત્રી બનાવી છે. કચ્છ અને જસદણ પંથકના હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગને પ્રેરક બળ મળે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકલ ફોર વોકલ અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવા આ પરિવારે 500 જેટલી હેન્ડલુમ કંકોતરી બનાવી છે. વૃક્ષ છેદન ઘટે અને પ્રદુષણ પણ ન ફેલાય તે માટે કંકોતરીમાં કાગળનો વપરાશ ટાળી પ્રદુષણનું જતન કરવા અને ભરતગૂંથણની કલાને પ્રોત્સાહિત કરવા માટે કંકોતરીનો આ નવતર પ્રયોગ કર્યો છે. કારીગરોને કમાણી કરાવતી આ કંકોતરીનો ખર્ચ અન્ય હાઇફાઈ કંકોતરી કરતા ઘણો ઓછો કહી શકાય કારણ કે, આ કંકોતરી માત્ર રૂ. 350 થી 400 માં તૈયાર થઈ છે. ભરત ગૂંથણ વાળી કંકોતરી સાથે એક કાપડની થેલી પણ બનાવવામાં આવી છે. આ થેલીમાં કંકોતરીમાં આવતી તમામ વિગત દર્શાવવામાં આવી છે. બીજું મહત્વનું એ છે કે ગમે એટલી કાગળની કે અન્ય હાઇફાઈ કંકોત્રી બનાવવામાં આવે પણ છેવટે તો તેને ફેંકી દેવામાં જ આવે છે. જ્યારે આ નવીન કંકોતરી ઘરમાં પણ ઉપયોગી થાય તેમ હોવાનું આહીર પરિવાર જણાવી રહ્યો છે.