તાલુકા પોલીસે વાડીની ઓરડીમાં ચાલતો જુગાર ઝડપી લઈ રૂપિયા 5.02 લાખની રોકડ કબ્જે કરી મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામથી નેસડા જવાના રસ્તે આવેલી વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી છ જુગારીઓને રોકડા રૂપિયા 5 લાખ 2 હજાર સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર દરોડા અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જયદેવસિંહ ખોડુભા ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઈ હર્ષભાઈ પટેલ, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને પંકજભા પ્રવીણભા ગુઢકા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબી તાલુકાના ખાનપર ગામથી નેસડા જવાના રસ્તે આવેલ વિનોદભાઈ ત્રિભોવનભાઈ પટેલની વાડીએ જુગાર રમાતો હોવાની બાતમી મળતા બાતમી સ્થળે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બાતમી વાળી જગ્યાએ વાડીની ઓરડીમાં આરોપી રવિભાઈ પટેલ, ભાવેશ પટેલ, વિનોદ પટેલ, ચેતનભાઈ પટેલ, ધવલ પટેલ અને કલ્પેશ પટેલને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે બનાવ સ્થળેથી રોકડા રૂપિયા 5,02,000 રોકડા કબ્જે કરી છએય આરોપી વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.