હોનેસ્ટ હોટલ નજીક સ્પીડ બ્રેકર પાસે રિક્ષાએ બ્રેક મારતા ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી : બે મહિલાઓ ઈજાગ્રસ્ત માળીયા : મોરબી - કચ્છ હાઇવે ઉપર હોનેસ્ટ હોટલ નજીક સીએનજી રિક્ષાને ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા રીક્ષા બે ગુલાંટ ખાઈ જતા રિક્ષામાં બેઠેલા સગીરનું મૃત્યુ નીપજ્યું હતું અને બે મહિલાઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના અંગે માળીયા તાલુકાના હરીપર ગામે રહેતા રીક્ષા ચાલક ગણેશભાઈ મહાદેવભાઈ ચાવડાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતે હરીપરથી મોરબી આવતો હતો ત્યારે હોનેસ્ટ હોટલ નજીક સ્પીડ બ્રેકર પાસે બ્રેક મારતા પાછળ આવતા ટ્રક નંબર RJ-10-GA-7338ના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા રીક્ષા બે ગુલાંટ મારી ગઈ હતી. વધુમાં આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા ભાનુબેન બીજલભાઈ ગીંગોરાને ડાબા હાથમા તથા જશીબેન માત્રાભાઇ લાબરીયાને જમણા પગમા ફેકચર જેવી ઇજા કરી તેમજ નાગડાવાસના રહેવાસી જશીબેનના પુત્ર નવઘણભાઇ માત્રાભાઇ લાબરીયા ઉ.15ને ગંભીર ઈજાઓ થતા પ્રથમ મોરબી બાદમાં રાજકોટ વધુ સારવારમાં લઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે માળીયા પોલીસે રીક્ષા ચાલક ગણેશભાઈ મહાદેવભાઈ ચાવડાની ફરિયાદના આધારે રાજસ્થાની ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.