ટીમ અભયમે યુવતીના પરિવારજનોને સમજાવતા અંતે માતા-પિતાએ યુવતીને સ્વીકારી મોરબી : મોરબીમાં યુવાનીના ઉંબરે ઉભેલી યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ પાંચ જ દિવસમાં પ્રેમનો ગુબ્બારો ફૂટી જતા છૂટાછેડા થઈ ગયા બાદ ન ઘરની ન ઘાટની જેવી સ્થિતિમાં આવી ગયેલી યુવતીને પતિ કે પરિવારજનો સ્વીકારવા તૈયાર ન હોય 181 અભયમની ટીમ યુવતીની મદદ કરી યુવતીના માતાપિતાની સમજાવટ કરતા અંતે સ્વગૃહે પરત પહોંચી હતી. પ્રેમલગ્ન પાછળ આંધળી દોટ મૂકતી યુવતીઓ માટે આંખ ઉઘાડનાર આ કિસ્સાની વિગત જોઈએ તો 181 મહિલા હેલ્પલાઇન નંબર ઉપર મોરબીની એક 19 વર્ષીય યુવતી મદદ માટે ફોન કરે છે, જેથી અભયમ ટીમના કાઉન્સિલર મનિષા પરમાર, કોન્સ્ટેબલ કોકિલાબેન સોલંકી, પાયલોટ મિતેષભાઈ કુબાવત તુરંત યુવતીની મદદે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે, એક મહિના પહેલા યુવતીએ મોરબીના જ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જોકે 5 દિવસમાં જ છૂટાછેડા થઈ ગયા હતા, પરંતુ યુવતી આ વાત માનવા તૈયાર નહોતી. તેણી પતિની સાથે જ રહેવા માંગતી હતી, પણ પતિ સ્વીકારવા તૈયાર નહોતો, કારણ કે અગાઉથી જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. આ તરફ યુવતી પોતાના માવતરે પહોંચી હતી, પરંતુ પ્રેમ લગ્ન કર્યા હોય માવતર પણ સાચવવા તૈયાર નહોતા. પૂર્વ પતિના જણાવ્યા મુજબ છૂટાછેડા થઈ ગયા છે પણ જો યુવતીના પરિવારજનો રાજીખુશીથી લગ્ન કરી આપે તો જ તે યુવતીને સ્વીકારશે. આવી સ્થિતિમાં યુવતી ખૂબ જ મુશ્કેલી અનુભુવી રહી હતી. જોકે અભયમના અનુભવી કાઉન્સિલરે યુવતીના માતા-પિતાને ખૂબ જ સંયમપૂર્વક સમજાવ્યા હતા. જેથી પિયરના સભ્યો દીકરીને સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા. આમ મહિલા હેલ્પલાઈન 181 અભયમની ટીમે યુવતીની વ્હારે જઈ દીકરીને માતા-પિતાને સોંપી સુખદ સમાધાન કરાવ્યું હતું.