મોરબીમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું : પરિણાતાએ પ્રેમ સંબંધની પતિને જાણ થતા ગળેફાંસો ખાધો મોરબી : મોરબીમાં છેલ્લા દિવસોમાં આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ખાસ કરીને યુવાનો અને યુવતી અને પરિણીતાઓ કોઈને કોઈ કારણોસર જિંદગી ટૂંકાવી રહ્યા છે ત્યારે ગઈકાલે ગળેફાંસો ખાઈ લઈ મોરબીમાં સગીર, યુવાન અને પરિણીતાએ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. મોરબી શહેરના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ હર્ષદભાઈ કલૈયા ઉ.30 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જયારે રફાળેશ્વર પાનેલી રોડ ઉપર આવેલ સીમોરા સિરામીકની ઓરડીમા રહેતા સુમતભાઇ બીનધરભાઇ ઉ.15 નામના સગીરે ઓરડીમા કોઇ પણ કારણોસર ગળેફાસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત ભડીયાદ નજીક મીલેનિયમ ટાઇલ્સ કારખાનાની ઓરડીમાં રહેતા લક્ષ્મીબેન દોબાભાઇ બારડે ઉ.20 નામની પરિણીતાના પ્રેમ સંબંધ અંગે તેના પતિને જાણ થઈ જતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોત વહાલું કરી લીધું હતું. નોંધનીય છે કે પરિણીતાના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સંતાનમાં બે પુત્રી હોય માતાના આ પગલાંથી બન્ને દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. અપમૃત્યુના ત્રણેય બનાવમાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.