16900ની રોકડ,એક મોબાઇલ સહિત 17200નો મુદ્દામાલ કબજે કરાયો હળવદ : હળવદ શહેરના ભવાની નગર વિસ્તારમાં જાહેરમાં ઘોડી પાસાનો જુગાર ચાલતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે રેડ કરતા બે આરોપીઓ ઝડપાઇ ગયા હતા જ્યારે બે શખ્સો અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા. પોલીસે રૂ.16900ની રોકડ તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ.17200નો મુદ્દામાલ ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ દેવેન્દ્રસિંહ ઝાલા,બીપીનભાઈ પરમાર,ગંભીરસિંહ ચૌહાણ સહિતના પોલીસ જવાનો ગત રાત્રીના પેટ્રોલીંગ હોય ત્યારે શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા તુરત જ રેડ કરી હતી. પોલીસની આ કાર્યવાહીમાં પ્રકાશગીરી નવલગીરી ગોસાઈ રહે. ભવાનીનગર અને મનીષભાઈ ઠાકરશીભાઈ ઝિંઝુવાડીયા રહે. ભવાનીનગર વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે હસમુખભાઈ ગણેશીયા અને અલ્તાફભાઈ મુસાભાઇ સંધીએ પોલીસને જોઈ મુઠ્ઠીઓ વાળી લેતા પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.16900ની રોકડ તેમજ એક મોબાઇલ મળી કુલ રૂપિયા 17200નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. પોલીસ દ્વારા ઝડપાયેલા બન્ને શખ્સો તેમજ નાસી ગયેલા બન્ને શખ્સો મળી કુલ ચાર વિરુદ્ધ પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.