ગુજરાત સરકાર દ્વારા જીએમઇઆરએસ હેઠળ ટેન્ડર બહાર પાડતા ભાજપે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી : પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ સરકારનો આભાર માન્યો : કોંગ્રેસે પણ ધરણા આંદોલનની જીત ગણાવી ધરણા ટૂંકાવ્યા મોરબી : મોરબી જિલ્લાને મળેલી સરકારી મેડિકલ કોલેજ સરકારે રદ કરી ખાનગી સંસ્થાને સોંપી દેવા કરેલી હિલચાલ સામે ખુદ મોરબી ભાજપના આગેવાનોએ સરકારી મેડિકલ કોલેજ જ આપવા રજુઆત કરવાની સાથે કોંગ્રેસે સતત છ દિવસના ધરણા શરૂ કરતા અંતે સરકારે હાલમાં નિર્ણય ફેરવી તોળી મોરબીને રૂપિયા 580 કરોડના ખર્ચે સરકારી મેડિકલ કોલેજ આપવા જીએમઇઆરએસ હેઠળ ટેન્ડર બહાર પાડતા આજે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજી મોરબીની જનતાની લાગણીની સાથે ભાજપની રજૂઆતની જીત ગણાવી હતી. તો સમાપક્ષે કોંગ્રેસે લોક લડતની અને ધરણાની જીત ગણાવી આજે એક દિવસના ધરણા ટૂંકાવ્યા છે. મોરબી જિલ્લા માટે વર્ષ 2020માં ગુજરાત સરકારે સરકારી મેડિકલ કોલેજ મંજુર કર્યા બાદ ગત અઠવાડિયે એક જ ઝાટકે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે મોરબીને બદલે તાપી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ અને મોરબીને ખાનગી બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ આપવા નિર્ણય કરતા જનતામાં રોષ વ્યાપી ગયો હતો અને ચૂંટણીના આ વર્ષમાં સરકારના આ અન્યાયી નિર્ણયથી નુકશાન જઈ શકે તેમ હોય ભાજપની નેતાગીરી પણ ગાંધીનગર દોડી જવાની સાથે મુખ્યમંત્રીને સરકારી મેડિકલ કોલેજ જ આપવા માંગ કરી હતી. બીજી તરફ રાતોરાત સરકારીની બદલે ખાનગી મેડિકલ કોલેજ પ્રશ્ને આમ આદમી પાર્ટીએ પણ રજૂઆતોનો મારો ચલાવવાની સાથે મોરબી જિલ્લા - શહેર કોંગ્રેસ દ્વારા સમગ્ર મોરબી જિલ્લાની જનતાને સાથે રાખી શનાળા રોડ ઉપર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સમક્ષ સતત છ દિવસના મેરેથોન ધરણા શરૂ કરતા સરકારી મેડિકલ કોલેજની માંગ બુલંદ બનવાની સાથે જન જન સુધી આંદોલન શરૂ થવાનો માહોલ બન્યો હતો. દરમિયાન અચાનક જ ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે રૂપિયા 580 કરોડના ખર્ચે જીએમઇઆરએસ હેઠળ સરકારી મેડિકલ કોલેજ નિર્માણ કરવા ટેન્ડર બહાર પાડતા આજે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ પત્રકાર પરિષદ યોજી મોરબીની જનતાની લાગણી અને ભાજપની રજુઆતની જીત રૂપે સરકારી મેડીકલ કોલેજ મળવાની જાહેરાત કરી હતી. જો કે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ટેન્ડરમાં સરકારી કોલેજ જ બનશે તેવી કોઈ સ્પષ્ટતા ન હોય આગામી સમયમાં મોરબીને સરકારી મેડિકલ કોલેજ જ મળશે કે બ્રાઉન ફિલ્ડના નામે ખાનગી મેડિકલ કોલેજ મળશે તે અંગે કોઈ ફોડ પાડી શક્યા ન હતા અને પત્રકારોના અણિયારા સવાલોનો સ્પષ્ટ ઉત્તર આપી શક્યા ન હતા. નોંધનીય છે કે મોરબીને સરકારીને બદલે ખાનગી મેડિકલ કોલેજ મળતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને રજુઆત કરી હતી અને હાલમાં સરકારે સરકારી મેડિકલ કોલેજ માટે ટેન્ડર બહાર પાડતા વડાપ્રધાન, મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષનો કાન્તિલાલા અમૃતિયાએ આભાર માન્યો હતો. બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ પટેલ અને કોંગ્રેસ અગ્રણી મનોજ પનારાએ પણ પત્રકાર પરિષદ યોજી સરકારની જાહેરાતને પગલે આ નિર્ણયને જનતાની જીત ગણાવી હતી અને જો સરકાર હજુ પણ કઈ ઘાલમેલ કરી મોરબીને સરકારીને બદલે ખાનગી મેડિકલ કોલેજ અંગે નિર્ણય લેશે તો હજુ પણ જલદ આંદોલન કરવાની તૈયારી દર્શાવી સરકારી મેડિકલ કોલેજ માટે ટેન્ડર બહાર પડતા આજે એક દિવસના ધરણા ટૂંકાવવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું હતું.