ધરણાના ચોથા દિવસે જિલ્લા કોંગ્રેસ સમિતિએ સરકારને ઢંઢોળવા નવતર રીતે વિરોધ પ્રદર્શન કર્યું મોરબી : રાજ્ય સરકારે મોરબીને છેલ્લી ઘડીએ સરકારી મેડિકલ કોલેજ રદ કરીને ખાનગી મેડિકલ કોલેજ ફાળવી દેતા મોરબીને મોટો અન્યાય થયાના સુર સાથે કોંગ્રેસ મેદાને આવ્યું છે. અને ભાજપ સરકારને આ મુદ્દે ભીંસમાં લેવા કોંગ્રેસે લડતના મંડાણ કર્યા છે. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ એક અઠવાડિયા સુધી પ્રતીક ધરણા કરીને સરકાર સામે લડત ચલાવી છે ત્યારે આજે ચોથા દિવસે ધરણામાં કોંગ્રેસ હવનનું આયોજન કર્યું હતું. મોરબીની થયેલો હળહળતો અન્યાય દૂર કરવા આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા હવન કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાને રદ કરેલી સરકારી મેડિકલ કોલેજ પાછી મળે તે માટે ઈશ્વર સરકારને સદબુદ્ધિ આપે તે માટે હવન કરવામાં આવ્યો હતો અને મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસે આજે છાવણીમાં હવન કરી ઈશ્વર સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આ હવનમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મનોજભાઈ પનારા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. તેમજ મોરબીને જ્યાં સુધી સરકારી કોલેજ ન મળે ત્યાં સુધી લડત ચલાવવા તેમજ હજુ પણ સરકાર ન જાગે તો આંદોલન ઉગ્ર બનાવવાનું જણાવ્યું છે.