બાઈક ચોર ગિરફ્તમાં આવતા 28 માર્ચના રોજ ચોરી થયેલ બાઈકની ગઈકાલે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીમાં બાઈક, ફોર વ્હીલ ચોરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે તાજેતરમાં સાત બાઈક અને એક સીએનજી રીક્ષા સાથે મૂળ હળવદનો અઠંગ વાહનચોર ઝડપાતા એક પછી એક વાહનચોરીની ફરિયાદ નોંધાઈ રહી છે જેમાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી કર્મકાંડી ભુદેવનું 20 હજારની કિંમતનું બાઈક ગત તા.28ના રોજ ચોરાયા બાદ ગઈકાલે ફરિયાદ નોંધાઈ છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વાવડી રોડ ઉપર મીરાપાર્કમાં રહેતા અને કર્મકાંડ કરી જીવન નિર્વાહ કરતા રાજેશભાઈ શાંતિલાલ મહેતા ગત તા.28 માર્ચના રોજ મોરબી સિવિલ હોસ્પિટલમાં કામ સબબ જીજે-03-એચસી-1250 નંબરનું મોટર સાયકલ લઈને ગયા હતા અને સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં બાઈક પાર્ક કરી અંદર ગયા બાદ પરત આવીને જોતા તેમનું બાઈક ચોરાઈ ગયું હતું. બાદમાં રાજેશભાઈ શાંતિલાલ મહેતાએ પોતાની રીતે બાઈકની શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રૂપિયા 20 હજારની કિંમતનું જીજે-03-એચસી-1250 નંબરનું મોટર સાયકલ ચોરાઈ જવા અંગે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે હાલ અઠંગ વાહનચોર પોલીસની ગિરફ્તમાં છે ત્યારે આ બાઈક પણ તેણે જ ચોર્યાનું મનાઈ રહ્યું છે.