ત્રાજપર સરકારી કર્મચારી સોસાયટીમાં મકાન ધરાવતા મુંબઈના અસામીએ નોંધાવી ફરિયાદ મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં આવેલ સરકારી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં મકાન ધરાવતા મુંબઈના અસામીએ ભાડે આપેલું મકાનનું લાંબા સમયથી ભાડું પણ ન ચુકવતા અને મકાન ખાલી પણ ન કરતા ભાડૂઆત સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ત્રાજપર ખાતે આવેલી સરકારી કર્મચારી કો-ઓપરેટીવ સોસાયટીમાં પ્લોટ નં-૧૩ બ્લોક નં-૦૭માં મકાન ધરાવતા અને હાલમાં મુંબઈ રહેતા ચીરાગભાઇ ભગવાનજીભાઇ પરસાણીયાના પિતાજીએ વર્ષ 2018માં યુનુષભાઇ અલીભાઇ પલેજાને 11 માસના કરારથી મકાન ભાડે આપ્યું હતું. લાંબા સમયથી આ મકાનમાં રહેતા યુનુષભાઇ અલીભાઇ પલેજાએ ભાડું આપવાનું બંધ કરતા કોરોના સમયે ચિરાગભાઈ તેઓને રૂબરૂ મળી ભાડાના બાકી નીકળતા 1.15 લાખ ચૂકવી દેવા કહેતા યુનુષભાઈ અલીભાઈએ ત્રણ મહિનામાં ચૂકવી આપવા ખાતરી આપી હતી. જો કે ત્રણ મહિનામાં મકાન ખાલી કરી દેવા વાયદો કર્યા બાદ પણ યુનુષભાઇ અલીભાઇ પલેજાએ ન તો ભાડું ચૂક્યું કે ન તો મકાન ખાલી કર્યું ઉલટું મકાન ખાલી કરવા ઇન્કાર કરતા ચિરાગભાઈએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ અરજી કરતા કમિટી દ્વારા તેમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને મકાન પચાવી પાડનાર યુનુષભાઇ અલીભાઇ પલેજા વિરુદ્ધ સીટી બી ડિવિઝનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩),૫(ગ) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.