મોરબી : પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારાની સાથે સાથે ખાદ્ય તેલ પણ ભાવ વધારાની રેસમાં છે. એપ્રિલ મહિનાના 18 દિવસમાં તેલના ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારનું બજેટ ખોરવાયું છે. દરેક ક્ષેત્રમાં થઇ રહેલા ભાવ વધારાની સીધી અસર અન્ય ચીજવસ્તુઓ પર જોવા મળીતી હોય છે. હાલમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધારાને કારણે ટ્રાન્સપો્ર્ટ ખર્ચ વધી જતાં તેની અસર ખાદ્ય ચીજવસ્તુઓ પર જોવા મળી છે. તેલના ભાવ તરફ નજર કરીએ તો આ મહિનાની શરૂઆતમાં 1 એપ્રિલેએ કપાસ તેલના ભાવ 15 કિલોના ડબ્બાના રૂ.2610 હતો. જે વધીને તા.18 એપ્રિલના રોજ રૂ.2750 જોવા મળ્યો હતો. આમ 18 દિવસમાં જ કપાસીયા તેલના ભાવમાં રૂ.140 નો ઉછાળો જોવા મળ્યો હતો. પામોલિન તેલમાં રૂ.131, મકાઈ તેલમાં રૂ.52, સીંગતેલમાં રૂ.63 અને સન ફ્લાવર તેલમાં રૂ.42 નો વધારો જોવા મળ્યો છે. રશિયા-યુક્રેન યુધ્ધના લીધે માત્ર બે માસના ટુંકા ગાળમાં 2750 થી 2800 વચ્ચે જુદી જુદી કંપનીના તેલ વેચાઇ રહ્યાં છે. જેની સીધી અસર મધ્યમ વર્ગના પરિવારો પર જોવા મળી રહી છે. 18 જ દિવસમાં વધેલા ભાવને કારણે જાણે કે એપ્રિલ મહિનો મોંઘવારીનો મહિનો બનીને આવ્યો છે. તેલના વધતા ભાવને કારણે તેલથી બનતી અન્ય ખાધ્ય ચીજવસ્તુઓના ભાવ પણ ધીરેધીરે આસમાન આંબતા જોવા મળ્યા છે.