રાજ્યની સૌથી 108 ફૂટ ઊંચી હનુમાન મહારાજની પ્રતિમાનું અનાવરણ કરાશે : કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ અને સંતો-મહંતો હાજરી આપશે હનુમાન જયંતિ નિમિત્તે સંતવાણીમાં કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે : સમગ્ર આયોજન મોરબી અપડેટના ફેસબૂક પેઈજ પર લાઈવ નિહાળી શકાશે મોરબી : મોરબી તાલુકાના બેલા ગામમાં ખોખરા હનુમાન હરિહરધામ મુકામે હનુમાનજી મહારાજની 108 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ અવસર પર તેમજ હનુમાન જયંતીના પવિત્ર દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર શ્રોતાગણને સંબોધન કરશે તથા કથાનું સમાપન પણ એ જ દિવસે છે અને હનુમાનજીની 108 ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ પણ એ જ દિવસે કરવામાં આવશે. તેમજ સંતવાણીમાં કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે. અને સમગ્ર આયોજન મોરબી અપડેટના ફેસબૂક પેઈજ પર લાઈવ નિહાળી શકાશે. મોરબીના ભરતનગર નજીક ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતના ગૌરવ સમી ગુજરાતની સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર માં કનકેશ્વરીદેવી રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. કથામાં આવતા પ્રસંગો ધામધુમથી ઉજવાય રહ્યા છે. રોજ હજારો ભાવિકો કથા શ્રવણ સાથે મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય અનેક રાજકીય મહાનુભાવો, દેશભરમાંથી પધારેલા સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને અનેક સંતો રામકથા દરમિયાન અહીં આવી ગયા છે. લગભગ દરરોજ 20 હજારથી વધારે શ્રોતાગણો કથા સાંભળવા માટે આવે છે અને દરરોજ અહીંયા 20 હજારથી વધારે શ્રોતાગણનું ભોજન અહીં થાય છે અને રાત્રિ કાર્યક્રમ પણ થાય છે. રામકથા દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહીત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌ શાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે. ત્યારે કથાના નવમા અને અંતિમ દિવસે તા. 16ને શનિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સવારે 11 વાગ્યાથી સતત 45 મિનીટ સુધી વર્ચ્યુઅલી જોડાશે અને સંબોધન કરશે. રામકથાના સમાપનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુલી લાઇવ પોતાનું પ્રવચન આપવાના છે. આ દિવસે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત અનેક રાજકીય મહાનુભાવો સમાપન અવસરે હાજર રહેવાના છે. વધુમાં, ખોખરા હનુમાન સમિતિ દ્વારા હનુમાન જયંતિ પણ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. અને રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ભજનીક કિર્તીદાન ગઢવી અને તેનું ગ્રુપ ભજનોની રમઝટ બોલાવશે. તો તમામ ભાવિકોએ લાભ લેવા માટે આયોજનના મુખ્ય યજમાન અજયભાઇ લોરીયા તેમજ હરિહરધામ સેવા સમિતિ ખોખરા હનુમાન દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના ફેસબૂક પેઈજ પર દરરોજ સમગ્ર રામકથાનું તથા તેના વિશેષ કાર્યક્રમનું લાઈવ કરવામાં આવે છે. તેવી જ આવતીકાલે પણ મોરબીવાસીઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન, રામકથા, સંતવાણી સહિતનો સમગ્ર કાર્યક્રમ લાઈવ કરવામાં આવશે. જેને ભાવિકો લાઈવ નિહાળી શકશે.