માત્ર બે કિલોમીટર લાઈન ન નાખવામાં આવતા 5000ની માનવ વસ્તી અને 4000 જેટલા પશુધન માટે મુશ્કેલી : મોરબીમાં આંદોલન કરવાની સરપંચની ચીમકી હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામમાં પાણી પુરવઠા બોર્ડની ઢીલી નીતિને પાપે 5000ની માનવ વસ્તી અને 4000 જેટલા પશુધન માટે મુશ્કેલી સર્જાઈ છે. માત્ર 2 કિલોમીટર જેટલી પાઈપ લાઈન નાખવામાં ન આવતા ગામ લોકોને પીવાના પાણી માટે દર દર ભટકવું પડે છે. આ મામલે ગામના સરપંચ દ્વારા મોરબીમાં ગામના 500 લોકો સાથે ધામા નાખી આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી છે. સાપકડા ગામના સરપંચ નટુભાઈ ગોરધનભાઈ કણઝારીયાએ રાજ્યના આરોગ્યમંત્રી, પાણી પુરવઠા વિભાગ સહિતનાઓને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, સાપકડા ગામના ભૂગર્ભ જળ ખરાબ હોવાથી ગામના બોરનું પાણી પીવા લાયક નથી. બીજી તરફ અહીં નવો સંપ બનાવાયો છે પરંતુ બે કિલોમીટર પાઇપ લાઈન નાખવામાં ન આવતા હાલમાં સાપકડા ગામની 5000ની માનવ વસ્તી અને 4000 જેટલા પશુધન માટે પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ છે. વધુમાં ગામના સરપંચ નટુભાઈ ગોરધનભાઈ કણઝારીયાએ જો સત્વરે નવા સંપ સુધી પાણીની લાઈન નાખવામાં નહીં આવે તો સાપકડા ગામના 500 લોકોને સાથે રાખી જિલ્લાની વડી કચેરી ખાતે જનઆંદોલનના મંડાણ કરવાનું જાહેર કર્યું છે.