મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટી નજીક મચ્છુ નદીના પટ્ટમાંથી સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ બે આરોપીઓને ગિરફ્તમાં લીધા હતા જયારે અન્ય એક આરોપીનું નામ ખુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટી નજીક મચ્છુ નદીના પટ્ટમાં દરોડો પાડી રમજાનભાઇ મહમદભાઇ મંસુરી અને ભરતભાઇ વાલાભાઇ સાલાણીને દેશી દારૂની ભઠ્ઠી ચાલવતા ઝડપી લઈ ગરમ આથો, ઠંડો આથો, દેશી દારૂ, ભઠીના સાધનો, ગેસના બાટલો, ગેસનો ચુલો રેગ્યુલેટર નળી,વેલ્ડીંગથી જોડેલા પતરાના બે બેરલ સહિત કુલ 6200નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા મામલે દરોડા દરમિયાન જેશીંગભાઇ ઉર્ફે હનુમાન હરખાભાઇ અગેચણીયાનું નામ ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી રમજાનભાઇ મહમદભાઇ મંસુરી અને ભરતભાઇ વાલાભાઇ સાલાણીની મુદામાલ સાથે અટકાયત કરી તપાસ શરૂ કરી છે.