કચ્છની રણસરોવર યોજના વિષે પણ ચર્ચા-વિચારણા કરી મોરબી : મોરબીને પ્રાઇવેટ નહીં પણ સરકારી મેડિકલ કોલેજ ફાળવવા જયસુખભાઇ પટેલે દેશના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રૂબરૂ મળી રજૂઆત કરી છે. તેમજ રણસરોવર યોજના વિષે પણ ચર્ચા-વિચારણા કરી હતી. મોરબી ખાતે સરકારી મેડિકલ કોલેજની ફાળવવાની જાહેરાત અગાઉ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ હતી પણ મોરબીની ફાળવણી કેન્સલ કરીને સરકારી મેડિકલ કોલેજ તાપી જિલ્લાને આપવામાં આવેલ છે અને મોરબીને સરકારીને બદલે પી.પી.પી.ના ધોરણે ખાનગી મેડિકલ કોલેજની ફાળવણી કરવામાં આવેલ છે. ગત તારીખ 10-4-2022 ના રોજ ગાંધીનગર ખાતે જયસુખભાઈ પટેલની દેશના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે શુભેચ્છા મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન જયસુખભાઇ પટેલે મોરબીને ફાળવાયેલ સરકારી મેડિકલ કોલેજ કેન્સલ ન કરવા મોરબીના લોકો વતી તેમનો પક્ષ રાખી વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવેલ હતી. તદુપરાંત, સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના આશરે એક કરોડ લોકોનો એગ્રીકલ્ચર તથા પીવાના પાણીના પ્રશ્નના ઉકેલ સ્વરૂપ લોક કલ્યાણકારી અને ગુજરાત માટે ગૌરવ સમાન એવી રણસરોવર યોજના પર પણ પોઝિટિવ દિશામાં સવિશેષ ચર્ચા થયેલ હતી.