મોરબીમાં આયોજિત રામકથામાં કથાકાર રમેશભાઈ ઓઝા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા મોરબી : મોરબીના ભરતનગર (બેલા) નજીક આવેલા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે રામકથા યોજાઈ છે.આજે રામકથાનો પાંચમો દિવસ છે. જેમાં કનકેશ્વરીદેવી દ્વારા શ્રોતાઓને રામકથાની સાથે જીવનમાં સત્સંગના મહત્વ અંગે સમજાવવામાં આવ્યું હતું. ભરતનગર (બેલા) નજીક ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજીની રાજ્યમાં સૌથી ઊંચી મૂર્તિના અનાવરણ પ્રસંગે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથાનું રસપાન વ્યાસપીઠસ્થાનેથી કનકેશ્વરીદેવી કરાવી રહ્યા છે. આજે રામકથાનો પાંચમો દિવસ છે. જેમાં કથાકાર રમેશભાઈ ઓઝા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. ખામીને સ્વભાવની સુંદરતાથી ભરવા અંગે કનકેશ્વરીદેવીએ શ્રોતાઓને રામકથાના પ્રસંગોની સાથે સત્સંગનું મહત્વ સમજાવ્યું હતું.આજે રામકથા દરમિયાન કનકેશ્વરીદેવીના પ્રવર્ચનના મુખ્ય અંશો નીચે મુજબ છે. કોઈ પણ પ્રકારની ખામી સ્વભાવની સુંદરતાથી ભરાઈ જાય છે અને સ્વભાવની સુંદરતા ભગવાનની કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે. - ભગવાન પણ સ્વભાવથી જ જગતને જીતે છે. - જેનો સ્વભાવ સુંદર છે તેમનું જ જીવન સુંદર છે. - આપણે જ્યાં બેસીએ તે સ્થાન સુંદર બની જાય તે સ્વભાવની સુંદરતા છે. - સ્નાન માત્ર મેલ ઉતારવા માટે નથી પણ સ્નાનથી ઈશ્વરીય શક્તિઓ પ્રાપ્ત થાય છે. - સ્નાન કર્યા પછી ગતિ દેવ તરફ હોવી જોઈએ. - સારા સંસ્કારોથી પરિવારમાં દેવત્વ જાગે છે. - ભગવાનને પ્રસાદનો ભોગ લગાવતાં લગાવતાં પ્રાપ્ત થતી કીર્તિ,યશનો પણ ભોગ લગાવવો. - ભોગ ભગવાન પચાવી શકે અને પ્રસાદ માણસ પચાવી શકે. - ભગવાન ત્યાં સુધી ભોગથી તૃપ્ત ન થાય જ્યાં સુધી ભૂખ્યાને ન જમાડીએ. - લોકો કહે તેમ નહીં પણ શાસ્ત્રો કહે તેમ કરવાની જરૂર છે.