મોરબીથી અનુસૂચિત જાતિ સમાજના 80 કોંગ્રેસી આગેવાનોએ ખોડલધામની મુલાકાત લીધી : નરેશભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાય તો સમગ્ર ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ સમાજના કોંગી આગેવાનો સાથે રહેશે તેવો કોલ આપ્યો મોરબી : કાગવડ ખોડલધામ સંસ્થાના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલ જો કોંગ્રેસ સાથે જોડાય તો સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા તેઓને સાથ આપવા કોલ આપ્યો છે. ગઈકાલે મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના કોંગ્રેસના આગેવાનો ખોડલધામની મુલાકાતે પહોંચ્યા હતા અને નરેશભાઈ પટેલ સાથે બેઠક યોજી આગામી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જોઈ કોંગ્રેસમાં જોડાવા ખુલ્લું ઇજન આપ્યું હતું. ગઈકાલે ખોડલધામ કાગવડ ખાતે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિ સમાજના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ સાથે મળીને કાગવડ ખોડલધામ સંસ્થાના ચેરમેન અને પાટીદાર શ્રેષ્ઠી તરીકે ઓળખાતા નરેશભાઈ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે અને આવનાર 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેશભાઈ પટેલને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવે એ કાર્યક્રમના ભાગરૂપે મોરબીથી 80 જેટલા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ખોડલધામ ગયા હતા. વધુમાં આ મુલાકાત સમયે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મુછડીયા, મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ અશ્વિન પરમાર, મોરબી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ દામજીભાઈ મકવાણા,મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન દીપકભાઈ પરમાર, પૂર્વ સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન રાજુભાઈ ચૌહાણ, રવજી ભાઈ સોલંકી, જગદીશ ભાઈ મુછડીયા, વિનુ પરમાર, ભૂપત મામાં, વિનોદ ચૌહાણ, કિશોર ઉભડિયા, સહિતના આગેવાનો નરેશભાઇ પટેલને રૂબરૂ મળી કોંગ્રેસમાં જોડાવવા ભાવ ભર્યું આમંત્રણ આપ્યું હતું. સાથે સાથે નરેશભાઈ પટેલ કોંગ્રેસમાં આવે તો ગુજરાતભરના અનુસૂચિત જાતિ સમાજ એમના સાથે રહેશે એવી પણ ખાતરી આપવામાં આવી હતી. અનુસૂચિત જાતિ સમાજની આવી ભાવ ભરી અપીલથી નરેશભાઈ ગદગદિત થઈ ગયા હતા અને એમને સામાજિક એકતા અને ભાઈચારાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.