લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં નામાંકિત કંપનીના નામના ઓઇલ બનાવતા હોવાનો ઘટસ્ફોટ : ઓઇલનો જથ્થો, રોમટીરીયલ તથા સાધન સામગ્રી મળી કુલ રૂ. ૨૫,૫૦,૯૯૫ નો મુદામાલ કબ્જે મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાથી એલસીબીએ ભેળસેળ યુક્ત ડુપ્લીકેટ ઓઇલ બનાવતી ફેકટરી ઝડપી લીધી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં નામાંકિત કંપનીના નામે નકલી ઓઇલ બનાવી ગ્રાહકોને ધાબડવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આથી પોલીસે મોરબી લાતી પ્લોટ ખાતે ટુ વ્હીલર, ફોર વ્હીલર, ઓટોરીક્ષા ના એન્જીનમાં વપરાતા નામકિત ઓઇલ કંપનીના નામે ભેળસેળ યુક્ત ઓઇલ બનાવતી ફેકટરી પકડી પાડી રૂપિયા 25 લાખ 50 હજાર 995 નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા નામાકિત કંપનીઓની ડુપ્લીકેટ ચિજવસ્તુ બનાવી બજારમાં વેચતા અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા એલસીબીના પીઆઇ એમઆર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટરને સુચના આપતા પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન અને સુચના મુજબ પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા એન.એચ.ચુડાસમા તથા એલસી.બી. સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો હેડ કોન્સ. જયવંતસિંહ ગોહીલ તથા વિક્રમસિંહ બોરાણાને બાતમી મળેલ કે, લાતી પ્લોટ શેરી નં.-6, મુમનગર ચોક શિવમ પ્લાય અને હાર્ડવેરની બાજુમાં દિનેશભાઇ દલવાડીના ડેલામાં અમુક ઇસમો મોટર સાયકલ, સી.એન.જી.રીક્ષા, ફોર વ્હીલ એમ જુદા-જુદા વાહનોના એન્જીનમાં વપરાતા જુદી-જુદી નામકિત કંપનીના ઓઇલના નામે ભેળસેળ યુક્ત ડુપ્લીકેટ ઓઇલ બનાવી તેનું વેચાણ કરે છે જે હકિકત આધારે રેઇડ કરતા જાણીતી કંપનીના નામના ઓઇલ બનાવતા હોય જે ઓઇલનો જથ્થો, રોમટીરીયલ તથા સાધન સામગ્રી મળી કુલ રૂ.25,50,995નો મુદામાલ શકપડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ જપ્ત કરી મોરબી સીટી એ ડિવી. પો.સ્ટે. ખાતે નોંધ કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. મોરબીમાં આ ભેજાબાજ ઈસમો દ્વારા જાણીતી કંપનીનું ઓઇલ બનાવતા હતાં જેમાં હોન્ડા ૪-સ્ટોર્ક એન્જીન ઓઇલ, હિરો ૪-ટી પ્લસ મો.સા. એન્જીન ઓઇલ, કેસ્ટ્રોલ એકટીવ ઓઇલ, સર્વો સુપર ૪-સ્ટોર્ક એન્જીન ઓઇલ, મેક ૨-ટી ઓઇલ,બજાજ ડીટીએસ પ્રિમીયમ, એન્જીન ઓઇલ, ગલ્ફ ૪-ટી ઓઇલ સહિતની કંપનીઓના નામનું ઓઇલ બનાવતું હતું. તેમજ ઓઇલ બનાવવા માટે ઓઇલ, કેમીકલ બેઇઝ ઓઇલ, એડીટીવ કેમીકલ, ઓઇલ બેઇઝ કલર, ગુલાબનું પરફ્યુમનું કેમિકલ વાપરતા હતા. વધુમાં ભેજાબાજ બેલડી રો મટીરીયલ જેવા કે બેઇઝ ઓઇલ, એડીટીવ કેમીકલ, ઓઇલ બેઇઝ કલર, ગુલાબનું પરફ્યુમ મિક્ષ કરી ટુવ્હીલર, ફોર વ્હીલર, ઓટો રીક્ષામાં વપરાતા 5,10, 20, તથા 1 લીટર તથા 800, 900મીલીના નામાકિત કંપનીના આબેહુબ ડોલડબા તથા પ્લા.ના પાઉચમાં ભરી પેકીંગ કરી શીલીંગ મશીન દ્વારા શીલ કરી એમ.આર.પી. પ્રિન્ટર મશીનથી પ્રિન્ટ કરી તૈયાર પુઠાના પ્રિન્ટેડ બોક્ષમાં પેક કરી કંપનીના નામની સેલોટેપથી કાર્ટુનો પેક કરતા હોવાનું પણ દરોડા દરમિયાન બહાર આવ્યું છે. નોંધનીય છે કે, ભેળસેળ યુક્ત ઓઇલ બનાવનાર બન્ને ઇસમો મોરબી અયોધ્યાપુરી રોડ ઉપર વાહનોના એન્જીનમાં વપરાતા ઓઇલ વેચાણ કરવાની દુકાન ધરાવતા હોય જેથી નામાકિત કંપનીના ઓઇલોના જેવા જ પેકીંગ કરી બજાર ભાવ કરતા સસ્તા ભાવનું તેમજ કંપની માંથી બીલ વગરનો માલ હોવાનું કહી રાજકોટ, અમદાવાદ, સુરત ખાતે હોલસેલમાં વેચાણ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ પોલીસે બેઇઝ ઓઇલ, એડીટીવ કેમીકલ, ઓઇલ બેઇઝ કલર, ગુલાબનું પરફ્યુમ આર.પી.ઓ. ઓઇલ તથા અલગ અલગ કંપનીના 800, 900 મીલી, તેમજ 1, 5, 10 અને 20 લીટરની ક્ષમતા વાળા ડોલ, ડબલા તથા પાઉચ જેમાં ભેળસેળ યુકત ઓઇલ ભરેલ છેતે કાર્ટુન તથા ખાલી ડબલા, ડોલ, તથા પાઉચ ઢાંકણા સ્ટીકર, તથા શીલીંગમશીન, એમ.આર.પી.પિન્ટર મશીન ઇલેકટ્રીક મોટર, ઓઇલ ભરવાના માપીયા, વજનકાંટા વિગેરે ચિજ વસ્તુ મળી કુલ રૂપિયા 25,50,995નો મુદામાલ જપ્ત કર્યો છે. અને ભેળસેળ યુક્ત ઓઇલ બનાવવાની ફેકટરી ચલાવનાર મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર (રહે શિવહેરીટેઝ-બી, RDCબેન્ક પાસે,રવાપરરોડ,મોરબી), અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા (રહે. સંકલ્પ એપાર્ટમેન્ટ, રવાપર-ઘુનડારોડ મોરબી) સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.