પોલીસે પહેલા ત્રણ આરોપીઓ બાદ એક પછી એક એમ ફરાર અન્ય ત્રણને પણ દબોચી લીધા મોરબી : મોરબીમાં થોડા દિવસ પૂર્વે વહેલી સવારે દલવાડી સર્કલ નજીક આંગડિયા પેઢીના રૂપિયા 1.19 કરોડની રોકડ રકમના પાર્સલની દિલધડક લૂંટ કેસમાં પોલીસે પહેલા ત્રણ આરોપીઓ બાદ એક પછી એક એમ ફરાર અન્ય ત્રણને પણ દબોચી લીધા છે. જેના બાકીના ત્રણ ફરાર રહેલા ત્રણ પૈકી બેને ઝડપી લીધા બાદ છેલ્લો એટલે કે છઠ્ઠા આરોપીને પણ ગતરાત્રે ઝડપી લઈને સઘન પૂછતાછ હાથ ધરી છે. ગત તા. 31 માર્ચના રોજ વહેલી સવારે મોરબીના દલવાડી સર્કલ નજીક રાજકોટથી આવેલ આંગડિયા પેઢીના રૂપિયા 1.19 કરોડની ફિલ્મી સ્ટાઈલથી કરાયેલ દિલધડક લૂંટનો ભેદ મોરબી પોલીસે ઉકેલી નાખીને રાજકોટ સોમનાથ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો જાવીદ અલ્લારખાભાઇ ચૌહાણની ટીપની આધારે લૂંટને અંજામ આપનાર તેના ભાઈ અને મુખ્ય સૂત્રધાર મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લારખાભાઇ ચૌહાણ, સવસીભાઇ હકાભાઇ ગરાંમડીયા અને સુરેશ મથુરભાઇ ગરાંભડીયાને ઝડપી લીધા હતા. આ ત્રણેય આરોપીઓ હાલ 10 દિવસના રિમાન્ડ ઉપર છે. દરમિયાન પોલીસે આજે આ લૂંટ કેસની ટીપ આપનાર અબ્દુલ કાદિર ઉર્ફે જાહિદ અલ્લારખાભાઈ અને ઈમરાન અલ્લારખાભાઇ ચૌહાણને ગઈકાલે ઝડપી લીધા બાદ ગતરાત્રે આ લૂંટ કેસનો છઠ્ઠો આરોપી પંકજ ઉર્ફે ડોંગો કેશાભાઇ ગરાભડીયાને ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ હાલ આ કેસમાં છ આરોપીઓના નામ બહાર આવ્યા હતા તે તમામને ઝડપી લેવાયા છે. હજુ તપાસમાં અન્ય કોઈની સંડોવણી ખુલશે તો તેને પણ ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.