માળીયા : માળીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પરિવારે સંગાથ વૃદ્ધાશ્રમને રોકડ રૂપિયા 18000નું દાન અર્પણ કરી સામાજિક જવાબદારી નિભાવી છે. છેલ્લા બે વર્ષથી મોરબી જિલ્લાના માળીયા તાલુકાના છેવાડાના વિસ્તારમાં સૌરાષ્ટ્ર વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ સંચાલિત સંગાથ વૃદ્ધાશ્રમ દ્વારા 40થી 50 વડીલોને રહેવા-જમવાની ફ્રી સારવાર, મેડિકલ સારવાર અપાઈ રહી છે.વૃદ્ધાશ્રમના સારા સંચાલનને અનુલક્ષીને ગામના આગેવાનો તેમજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અવારનવાર મુલાકાત કરતો હોય છે અને જરૂરી સહયોગ પુરો પાડે છે. આ પથને અનુલક્ષીને તાજેતરમાં માળીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રોકડ રૂ.18000નું દાન વડીલોના નાસ્તા અને જરૂરી સામાન માટે આપવામાં આવ્યું છે. જે બદલ સંગાથ વૃદ્ધાશ્રમના સંચાલક ધવલ મકવાણા, મણિલાલભાઈ તેમજ તમામ વૃદ્ધોએ માળીયા પોલીસ નો આભાર માન્યો છે.