માળીયા હળવદમાં પણ આકાશી ઘટના જોવા મળતા લોકોમાં કુતુહલ મોરબી : મોરબી માળીયા અને હળવદ પંથકમાં આજે શનિવારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં આકાશમાંથી સળગતો પદાર્થ ધસમસતો આવતો હોવાના દ્રશ્યો જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ જોવા મળ્યું હતું અને અનેક લોકોએ આ ઘટનાને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હોય સળગતા પદાર્થનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો છે. જાણવા મળતી વિગતો પ્રમાણે આજે શનિવારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લામાં આકાશમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. આકાશમાં ઉડતા વિમાનોની જેમ કોઈ પદાર્થ સળગતો હોય તેવું દ્રશ્ય જોવા મળતા લોકોમાં કુતુહલ વચ્ચે આશ્ચર્ય જોવા મળ્યું હતું અને કોઈ ફાયટર પ્લેન કે પછી ઉલ્કા જેવો પદાર્થ હશે કે અન્ય કોઈ ચીજ હશે તેને લઈ તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી હતી. બીજી તરફ મોરબી અપડેટના હળવદ પ્રતિનિધિ, માળીયા પ્રતિનિધિ અને મોરબીના પ્રતિનિધીને પણ જાગૃત નાગરિકોએ વિડીયો મોકલી ઘટના અંગે જાણકારી આપી હતી તેમજ અમારા માળીયા પ્રતિનિધીએ તો આ ઘટનાને નજરો નજર નિહાળી હતી. ઉપરાંત આ પદાર્થને લઈ અનેક નાગરિકોના ફોન પણ સતત આવી રહ્યા છે. દરમિયાન ઘટના અંગે મોરબી જિલ્લા અધિક નિવાસી કલેકટર એન.કે.મુછારનો સંપર્ક કરવામાં આવતા તેમને ઘટના અંગે તપાસ કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું.