મહંગાઈ મુક્ત ભારત અભિયાન હેઠળ સરકાર સામે બાયો ચડાવતું કોંગ્રેસ મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં નવતર કાર્યક્રમ યોજવાનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં મહંગાઈ મુક્ત ભારત અભિયાન હેઠળ ભાજપ સરકાર સામે કોંગ્રેસે બાયો ચડાવી છે અને મોરબીમાં મોંઘવારીના વિરોધમાં કાલે શનિવારે કોંગ્રેસ ગેસ સીલીન્ડર, પેટ્રોલ-ડીઝલના ડબ્બાને પુષ્પાંજલી આપશે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલે જણાવ્યું હતું કે,લોકોની જીવન જરૂરી ચીજવસ્તુઓ સમાન પેટ્રોલ-ડિઝલ અને ગેસ તેમજ તેલના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારો થઈ રહ્યો છે અને આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ ભાવ વધારો થવાથી મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા મહંગાઈ મુક્ત ભારત અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તા.૨ને શનિવારના રોજ સવારે ૧૦ -૩૦ વાગ્યે સરદાર બાગ સામેના ગ્રાઉન્ડમાં, સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પાસે મોરબી ખાતે ગેસ સીલીન્ડર, પેટ્રોલ અને ડીઝલના ડબ્બાને પુષ્પાંજલિનો કાર્યક્ર્મ આપવામાં આવશે.