મોરબીની ન્યુ રેલવે કોલોનીમાં બનેલ બનાવ : બે શખ્સોને અટકાયતમાં લેવાયા મોરબી : મોરબી રેલવે સ્ટેશન રોડ ઉપર ધક્કા વાળા મેલડી માતાજીના મંદિર નજીક આવેલી ન્યુ રેલવે કોલોનીમાં રહેતા મહિલા સાથે પાડોશી મહિલાએ મારી વાતો કેમ કરો છો કહી ઝઘડો કર્યા બાદ આ મહિલાના પુત્ર સહિતના બે શખ્સોએ ધોકાવાળી કરી પથ્થરના ઘા કરતા પોલીસે ફરિયાદ નોંધી બે શખ્સોને ગિરફતમાં લીધા હતા. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર ધક્કા વાળા મેલડી માતાજીના મંદિર નજીક આવેલી ન્યુ રેલવે કોલોનીમાં રહેતા ગીતાબેન રાજેશભાઇ ટોયટા પોતાના નંણદ સાથે વાતો કરતા હતા ત્યારે પાડોશમાં રહેતા રમાબેને મારી વાતો કેમ કરો છો કહી ઝઘડો કર્યો હતો. બાદમાં રમાબેનના પુત્ર અનિલ પ્રવીણભાઇ કલોતરા અને તેના મિત્ર કિશન બાવાજીએ આ ઝઘડાનો ખાર રાખી રાત્રીના સમયે બોલા ચાલી કરી ગાળો આપી ગીતાબેનને લાકડાના ધોકા વડે જમણા હાથે મુંઢ ઇજા કરી છુટા પથ્થરના ઘા કરી પેટમાં મુંઢ ઇજા પહોંચાડી હતી તેમજ ગીતાબેનની દિકરી લક્ષ્મી ઉ.વ.૮ વાળીને કપાળમાં મુંઢ ઇજા કરી તેમજ ફરીના ઘરમાં છુટા પથ્થરના ઘા કરતા ઘરવખરીને નુકશાન કરી તથા મોટરસાયકલમાં ધોકા વડે નુકશાન કર્યું હતું. આ મામલે ગીતાબેનની ફરિયાદના આધારે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ.૧૩૫ મુજબ ગુન્હો નોંધી બન્ને આરોપીઓને અટકાયતમાં લઈ તપાસ શરૂ કરી છે.