શક્તિનગર નજીક બાઇક કેનાલ કાઠેથી મળી આવતા શોધખોળ કરતા યુવાનની લાશ મળી હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે આવેલ ધ્રાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી કવાડીયા ગામના ૨૮ વર્ષીય ઠાકોર યુવાનું મોત નીપજ્યું હતું બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા સુરેશભાઈ હાલાભાઇ સિહોરા ઉ.૨૮નું બાઈક કવાડીયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના કાંઠેથી મળી આવતા આ યુવાન કેનાલમાં ડૂબી ગયો હોવાની આશંકા વચ્ચે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. દરમિયાન યુવાનની લાશ કેનાલમાંથી મળી આવતાં બનાવની જાણ હળવદ પોલીસને કરવામાં આવી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઇ યુવાને આત્મહત્યા કરી છે કે અકસ્માતે કેનાલમાં પડી ગયો છે? તે અંગેની તપાસ હાથ ધરી છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક સુરેશભાઈ અને તેમનો પરિવાર મજૂરીકામ સાથે સંકળાયેલો હોય તેમજ મૃતકને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોય સુરેશભાઈના અવસાનથી તેઓના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાથી પરિવારમાં કાળો કલ્પાંત વ્યાપી ગયો છે.