9 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા પણ મોરબી કોર્ટનો આદેશ મોરબી : ચેક રીટર્ન કેસમાં નામદાર મોરબી અદાલતે આરોપીને 9 ટકા વ્યાજ સાથે મૂળ રકમ ચૂકવી આપવા આદેશ ફરમાવી આરોપીને એક વર્ષની કેદની સજા ફરમાવી છે. અને જેમાં કસૂર થયે વધુ ત્રણ માસની સજા ફટકારવા પણ હુકમ કર્યો છે. આ કેસની વિગત જોઈએ તો મોરબીની ગજાનન એન્ટરપ્રાઈઝ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર અમરશીભાઈ ભાણજીભાઈ પડસુંબીયા, રહે.મોરબીવાળાએ રૂચા કોમ્પ્યુટર્સ અને તેના ભાગીદાર કલ્પેશભાઈ નકુમ સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની મોરબીના મહેરબાન સેકન્ડ એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબ સમક્ષ ફરિયાદ દાખલ કરેલી અને ફરિયાદીની આરોપી પાસેની કાયદેસરની બાકી લેણી રકમ પેટે આરોપીએ ઉકત ફરિયાદીને રૂા.૩,૦૦,૦૦૦નો ચેક આપેલો જે ચેક બેંકમાં ૨જુ થતાં આ ચેક વગર સ્વીકારાયે પરત થતાં તે અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં નામદાર કોર્ટે ફરિયાદી, ફરિયાદીના સાક્ષી તથા ફરિયાદી તર્કોના વિદ્વાન વકીલ મહેન્દ્ર એમ. પાટડીયા, એડવોકેટ (પાટડીયા લોયર્સ)ની ધારદાર રજુઆતોને ધ્યાને લઈને આરોપીને કસુરવાન ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ આરોપી ફરિયાદીને ચેકની રકમ રૂા.૩,૦૦,૦૦૦ ફરિયાદની તારીખથી ૯ ટકાના વ્યાજ સહિત વળતર તરીકે ચુકવી આપે તેવી તેમજ તે ચુકવવામાં આરોપી ચુક કરે તો વધુ ૩ માસની કેદની સજા ફટકારવા હુકમ કર્યો હતો.