મોરબીમાં સસરાને ઘેર રામા મંડળ જોવા ગયેલ આધેડને બાઈક ઉપર લઈ જઈ ધમકી અપાઈ મોરબી : મોરબીના શકત શનાળા ગામે રહેતા આધેડને ઉછીના પૈસા ઝડપથી પાછા આપવા મુદ્દે મોટર સાયકલ ઉપર બેસાડી માર્કેટિંગ યાર્ડ ખાતે લઈ જઈ ફડાકા ઝીકી જાનથી પતાવી દેવાની ધમકી આપવામાં આવતા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શકત શનાળા ગામે રહેતા વિનોદભાઇ કાનજીભાઇ ચાવડાએ જુના હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રહલાદસિંહ અર્જુનસિંહ પાસેથી ઉછીના નાણાં લીધા હોવાથી ગત. 25ના રોજ વિનોદભાઈ પોતાના સસરાને ઘેર રામા મંડળ જોવા જતા આરોપી પ્રહલાદસિંહે તમારું કામ છે કહી હોન્ડામાં બેસાડી માર્કેટિંગ યાર્ડ ખાતે લઈ ગયા હતા. વધુમાં આરોપી પ્રહલાદસિંહે વિનોદભાઈને માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈ તારે ઉછીના પૈસા ક્યારે પાછા આપવાના છે તેમ કહેતા વિનોદભાઈએ હાલ પૈસા નથી સગવડતા થયે આપશે તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલ આરોપીએ ફડાકા ઝીકી દઈ જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.