રજુઆત માટે ગયેલા અગ્રણીઓને વિધાનસભા સત્ર નિહાળવાનો મોકો મળ્યો મોરબી : મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈ પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજાની મુલાકાત લેતા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે તત્કાલ ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત ગાંધીનગર ગયેલા આગેવાનોને વિધાનસભા ગૃહમાં અંદર જઇને ચાલુ સત્ર જોવાનો અને સાંભળવાનો મોકો પણ મળ્યો હતો. મોરબી શહેરના વિવિધ પ્રશ્નો અંગે મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઇ કંઝારિયા, ઉદ્યોગપતિ ગણેશભાઈ ડાભી તેમજ પાલિકાના ચેરમેન,કાઉન્સિલરો અને મોરબી શહેરના સતવારા(દલવાડી) સમાજના આગેવાનોએ મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજાની મુલાકાત લીધી હતી. દરમિયાન હાલમાં ગુજરાત વિધાનસભા ચાલુ હોય રજુઆત કરવાની સાથે આ આગેવાનોને ચાલુ સત્ર જોવાનો અને સાંભળવાનો મોકો મળ્યો હતો. નોંધનીય છે કે, મોરબીના પ્રશ્નો ઉકેલવા રાજ્યમંત્રી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી તાત્કાલિક લગત વિભાગોને ટેલિફોનિક સૂચનાઓ આપવામાં આવી હતી. મોરબીના અગ્રણીઓની ગાંધીનગર મુલાકાત સમયે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, મોરબી જિલ્લાના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, અશ્વિનભાઈ, તપનભાઈ દવે વગેરે આગેવાનો પણ સાથે રહ્યા હતા.